વર્તમાન સમયમાં હીરા ઉદ્યોગ ભિષણ મંદીના દૌરમાંથી પસાર થઈ રહ્યો છે, જેના પરિણામે આ ક્ષેત્રમાં ૬૦ ટકા જેટલો કારોબાર ઘટી ગયો છે
Bhavnagar, તા.૫
લુઝ ડાયમંડ અને ડાયમંડ જ્વેલરીમાં અમેરિકાએ ૨૬ ટકા ટેરિફ ઝીંકી દેતા હવે શું થશે ? તેની ચિંતામાં બજારને લકવો લાગ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હોવાનું ભાવનગર હીરા ઉદ્યોગના આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં સુરત પછી ભાવનગર હીરા ઉદ્યોગનું મહત્વનું મથક છે અને આ વ્યવસાય મોટી સંખ્યામાં લોકોને રોજગાર આપે છે. સાવ સાદી ગણતરી જોઈએ તો દેશમાં જે કાચા હીરાની આયાત થાય છે તેને પોલિસ્ડ કરી નિકાસ કરવામાં આવે છે. આ ૯૫ ટકા પોલિસ્ડ હીરા અમેરિકા સહિતના વિવિધ દેશમાં એક્સપોર્ટ થાય છે. હવે અત્યાર સુધી લુઝ ડાયમંડ પર ટેરિફ હતો જ નહીં. જ્યારે ડાયમંડ જ્વેલરી પર ૬ ટકા ટેરિફ હતો. હવે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ૨૬ ટકા ટેરિફ લાદવાની ઘોષણા કરી છે. આ જાહેરાતથી લુઝ ડાયમંડ પર હવે ૨૬ ટકા જ્યારે ડાયમંડ જ્વેલરી પર ૩૨ ટકા ટેરિફ થયો છે. એક તરફ વર્તમાન સમયમાં હીરા ઉદ્યોગ ભિષણ મંદીના દૌરમાંથી પસાર થઈ રહ્યો છે. જેના પરિણામે આ ક્ષેત્રમાં ૬૦ ટકા જેટલો કારોબાર ઘટી ગયો છે. આમ, ૪૦ ટકા જેવો માંડ માંડ કારોબાર ચાલી રહ્યો છે. તો બીજી બાજુ આટલા ઊંચા ટેરિફના કારણે મંદીના વમળમાં ઘેરાયેલા હીરા ઉદ્યોગ માટે પડયા પર પાટું એ કહેવત જેવો ઘાટ સર્જાયો છે. આ તોતિંગ ટેરિફના કારણે નિકાસ થતા હીરાનું કોસ્ટીંગ ૨૬ ટકા જેવું ઊંચુ જશે. જેથી અમેરિકી માર્કેટમાં વેંચાણ પર વિપરિત અસર થવાની આશંકા વ્યવસાયકારોમાં પ્રવર્તી રહી છે. ત્યારે શું થશે ? એ ચિંતામાં હીરાના વ્યવસાયીઓએ હાલ લે-વેંચ કરવાનું બંધ કરતા હીરા બજાર પેરેલિસીસ જેવી સ્થિતિમાં પહોંચી ગયું છે.