Somnath,તા.૩૧
સુપ્રીમ કોર્ટે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર પાસે બુલડોઝર કાર્યવાહીના કેસમાં મુસ્લિમ પક્ષને કોઈ રાહત આપી નથી. કોર્ટે આ આદેશ આપ્યો કે વિવાદિત સ્થળ તોડી પાડવામાં આવ્યું કેમકે તે જમીન સરકારની માલિકીની છે. વેરાવળ સોમનાથ ખાતે દબાણ દૂર કરવા માટે મોટા પાયે તોડી પાડવાના મુદ્દે અરજદારોની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. રાજ્ય સરકારે સોમનાથ મંદિરની નજીકના સરકારી સ્થળે ઉર્સ યોજવાની અરજદારોની વિનંતીનો વિરોધ કર્યો હતો.
શુક્રવારે સુપ્રીમ કોર્ટે ગીર સોમનાથ જિલ્લામાં ગેરકાયદે દબાણોને હટાવવાના કેસની સુનાવણી કરી. દરમિયાન, સુપ્રીમ કોર્ટે ૧ થી ૩ ફેબ્રુઆરી દરમિયાન તોડી પાડવામાં આવેલી દરગાહ પર ઉર્સ યોજવાની પરવાનગી માંગતી અરજીને ફગાવી દીધી હતી.
ગુજરાતના અધિકારીઓએ કોર્ટને જણાવ્યું હતું કે સરકારી જમીન પર બનેલા મંદિરો સહિત અનધિકૃત બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે. ઉપરોક્ત જમીન પર ધાર્મિક કાર્યક્રમો સહિત કોઈપણ પ્રવૃત્તિની મંજૂરી નથી. જસ્ટિસ બીઆર ગવઈ અને ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે ગુજરાત સરકાર વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતા દ્વારા કરવામાં આવેલી રજૂઆતોની નોંધ લીધી કે સરકારી જમીન પર મંદિરો સહિત તમામ અનધિકૃત બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે.
મહેતાએ જણાવ્યું હતું કે પહેલાથી જ અતિક્રમણ કરાયેલી જમીન પર હિન્દુ ધાર્મિક સમારોહ સહિત કોઈપણ પ્રવૃત્તિને મંજૂરી આપવામાં આવી રહી નથી. અરજદાર વતી હાજર રહેલા વકીલે કહ્યું કે ત્યાં એક દરગાહ હતી જેને અધિકારીઓ દ્વારા તોડી પાડવામાં આવી હતી. તેમણે કહ્યું કે દરગાહમાં ‘ઉર્સ’ ઉત્સવ ઉજવવાની પરંપરા ઘણા વર્ષોથી ચાલી આવે છે અને ગુરુવારે અધિકારીઓએ તેના માટે પરવાનગી આપવાનો ઇનકાર કર્યો હતો.
બેન્ચે કહ્યું કે અરજીમાં કરવામાં આવેલી વિનંતી મુખ્ય કેસની સુનાવણી કર્યા વિના સ્વીકારી શકાય નહીં. આમ કહીને ઉર્સ ઉજવવાની અરજી ફગાવી દેવામાં આવી. રાજ્ય સરકારે વેરાવળ સોમનાથ જિલ્લામાં મોટા પાયે કાર્યવાહી કરી હતી અને મોટા પાયે અતિક્રમણ હટાવ્યું હતું. સરકાર દ્વારા કરવામાં આવેલ કોંક્રિટ ફેન્સીંગ પૂર્ણ થઈ ગયું છે. સરકારે દલીલ કરી હતી કે ડિમોલિશનનું કામ પૂર્ણ થઈ ગયું છે અને ફેન્સીંગ પણ કરવામાં આવી છે.
૩૦ સપ્ટેમ્બરના રોજ, સોમનાથ મંદિરની આસપાસ કથિત ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું. પટણી મુસ્લિમ સોસાયટીએ ૧ ઓક્ટોબરના રોજ સુપ્રીમ કોર્ટમાં અવમાનના અરજી દાખલ કરી હતી. આ અરજીમાં ગીર સોમનાથના કલેક્ટર અને અન્ય અધિકારીઓ સામે અવમાનનાની કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. અરજીમાં દરગાહ માંગરોળ શાહ બાબા, ઇદગાહ, પ્રભાસ પાટણ, વેરાવળ, ગીર-સોમનાથ ખાતે સ્થિત અનેક બાંધકામોના ગેરકાયદેસર તોડી પાડવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.