સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે, હિન્દી અને ઉર્દૂની વચ્ચે વિભાજન બ્રિટિશ શાસનકાળમાં ધર્મના આધાર પર કરવામાં આવ્યું હતું
New Delhi, તા.૧૭
સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રના અકોલા જિલ્લાના પાટુર નગર પરિષદના બોર્ડ પર મરાઠીની સાથે ઉર્દૂ ભાષાના ઉપયોગને પડકારતી અરજી ફગાવી દીધી છે. આ સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે મંગળવારે આકરી ટિપ્પણી કરીને કહ્યું કે,‘‘ભાષાનો કોઈ ધર્મ હોતો નથી અને ઉર્દૂને ફક્ત મુસ્લિમોની ભાષા માનવી એ હકીકત અને ભારતની વિવિધતાની એક દુર્ભાગ્યપૂર્ણ ગેરસમજ છે.’’આ અરજી પૂર્વ નગરસેવિકા વર્ષાતાઈ સંજય બગાડેએ કરી હતી. આ અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, નગર પરિષદનું કામકાજ ફક્ત મરાઠીમાં જ હોઈ શકે છે અને ઉર્દૂનો ઉપયોગ બોર્ડ પર હોવો જોઈએ નહીં. પહેલાં આ અરજી નગર પરિષદ અને પછી બોમ્બે હાઈકોર્ટે ફગાવી દીધી હતી. છેવટે મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે.સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સુધાંશુ ધુલિયા અને જસ્ટિસ કે.વિનોદ ચંદ્રનની બેન્ચે ચુકાદો સંભળાવીને કહ્યું કે, ‘‘ભાષા કોઈ ધર્મની નહીં, પરંતુ સમુદાય, ક્ષેત્ર અને લોકોની હોય છે. ભાષા સંસ્કૃતિ છે અને સમાજની સભ્યતાગત યાત્રાનો માપદંડ છે. ઉર્દૂ ગંગા-જમુની તહઝીબનું સૌથી શ્રેષ્ઠત્તમ દૃષ્ટાંત છે અને તેનો(ઉર્દૂ) જન્મ ભારતની ભૂમિ પર થયો છે.આ સાથે સુપ્રીમ કોર્ટે એ ભ્રમ પર પણ ટિપ્પણી કરી કે ઉર્દૂને વિદેશી કે ફક્ત એક ધર્મ વિશેષની ભાષા માનવી એક બિલકુલ ખોટું છે. કોર્ટે કહ્યું કે, ‘‘હકીકત છે કે હિન્દી ભાષાનો રોજિંદો ઉપયોગ પણ ઉર્દૂ શબ્દો વગર અધુરો છે. ખુદ ‘હિન્દી’ શબ્દ પણ ફારસી શબ્દ ‘હિંદવી’ પરથી ઉતરી આવ્યો છે.’’સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે, હિન્દી અને ઉર્દૂની વચ્ચે વિભાજન બ્રિટિશ શાસનકાળમાં ધર્મના આધાર પર કરવામાં આવ્યું હતું, જે આજે પણ એક મોટી ગેરસમજના રૂપમાં કાયમ છે.