Vadodara,
પહેલગામ દુર્ઘટનાથી આક્રોશિત લોકોએ કારેલીબાગ વિસ્તારની વાઘેશ્વરી સોસાયટીથી બ્રહ્માકુમારી માર્ગ પર પાકિસ્તાની ધ્વજના ચાંદના ચિન્હો ઠેર ઠેર જમીન પર ચિપકાવી દેતા પોલીસ દોડતી થઈ હતી. આક્રોશિત લોકોનો એકમાત્ર ધ્યેય એવો હતો કે, પહેલગામ દુર્ઘટના સંદર્ભે પાકિસ્તાની ધ્વજના ચાંદ પર પગ મૂકીને ચાલે તથા વાહનો પણ તેના પર થઈને જઈને મૂક આક્રોશ વ્યક્ત કરી શકે.
ઉલ્લેખનીય છે કે કાશ્મીરના પહેલગામ ખાતે ગઈ તા.22મીએ આતંકવાદીઓએ ધર્મ પૂછીને 22 નિર્દોષોને ગોળીઓ મારીને મારી નાખ્યા હતા. આ દુર્ઘટનાથી સમગ્ર ભારતમાં ભારે આક્રોશ ફેલાયો છે. વડાપ્રધાન મોદીએ પણ આ દુષ્કૃત્યના ગંભીર પરિણામો ભોગવવાની પાકિસ્તાનને ચીમકી આપી છે. જ્યારે બીજી બાજુ દેશભરમાં વિવિધ રીતે આ દુર્ઘટનાનો વિરોધ થઈ રહ્યો છે. દરમિયાન કારેલીબાગ વિસ્તારની વાઘેશ્વરી સોસાયટીથી બ્રહ્માકુમારી માર્ગ પર પાકિસ્તાની ચાંદની તસવીરો રોડ પર ઠેક ઠેકાણે ચીપકાવી દેવાઇ છે. જેથી પાકિસ્તાની ચાંદ લોકોના પગ નીચે રગદોળાય અને વાહનોના પૈડા નીચે કચડાય. આમ લોકો પોતાનો આક્રોશ મૂક રીતે વ્યક્ત કરી શકે.