Upletaતા.૨૨
ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલીહુસેન મોહીબુલ્લાહ શેખ દ્વારા ધોરાજી તાલુકાના આરોપીને પોતાની જ સગી દીકરી ઉપર વારંવાર દુષ્કર્મ કરવાની ફરિયાદને લઈ થયેલ ચાર્જશીટ બાદ ખૂબ જ ઓછા સમયમાં આખો કેસ ચલાવી આરોપી પિતાને તકસીરવાન ઠરાવી વીસ વર્ષની કેદની સજા અને દંડ ફટકારતો હુકમ ફરમાવેલ છે.
આ કેસ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ જીલ્લાના ઉપલેટા તાલુકામાં રહેતી સગીર પુત્રી પર પોતાના જ પિતા વારંવાર દુષ્કર્મ કરતાં હોય તેવી આપવીતી જણાવી હતી ત્યારે આ બાબતે ફરિયાદ નોંધાવવા માટે આરોપીની દાદી એટલે કે ભોગ બનનારની પરદાદી સાથે સગીરા પોલીસ સ્ટેશન ગયેલા હતા જ્યારે ભોગ બનનારની આપવીતી જણાવી હતી. આ બાબતમાં એવી પણ માહિતીઓ સામે આવી છે કે, આ સગીરાની માતા માત્ર છ માસની હતી ત્યારે અવસાન પામેલી હતી ત્યારે બાદ આ ભોગ બનનાર અને આરોપી સહિત પોતાના દાદી અને પરદાદી સાથે રહેતા હતા.
અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે, ભોગ બનનાર બાળકીની માતાના મૃત્યુ અંગે આરોપી સામે જે તે વખતે પણ પોતાની પત્નીને આત્મહત્યાનું દુષપ્રેરણ કરવાની બાબતમાં ભારતીય દંડ સહિતા કલમ-૩૦૬ મુજબ ફરિયાદ થયેલી હતી પરંતુ તે કેસમાં આ આરોપીને સજા થઈ શકેલ ન હતી જે બાદ આ આરોપીએ બીજા લગ્ન કરેલા અને પોતાના નવા પત્ની અને પરિવાર સાથે તેજ ગામમાં રહેતા હતા અને ત્યારબાદ બનાવથી આશરે થોડા સમય પહેલા ભોગ બનનારને પોતાની ઘરે બોલાવેલ અને રાત્રિના સમયે પોતાની સાથે સુવડાવેલ અને પછી રાત્રિ દરમિયાન બે વખત દુષ્કર્મ આચરેલું હતું.
આ બનાવ બાદ સગીર વયની ભોગ બનનાર આ હેવાનિયતનો શિકાર બની અને લાચારી સાથે આગળ હવે શું કરવું તે વિચારી શકતી ન હતી જેથી આ બાબતે ભોગ બનનારની પર દાદી એટલે કે, આરોપીની દાદીએ પોતાની સોગંધ ઉપરની જુબાનીમાં જણાવેલું કે, આરોપીનો ભય તેની પરદાદીને પણ હતો અને તે ઘરના કોઈપણ વ્યક્તિને મારી લેતો હતો અને જુલમ પણ કરતો હતો ત્યારે આ આરોપીને આ દુષ્કર્મ કરતાં અટકાવવામાં આવે તો તે કહેતો કે ‘‘મારી દીકરી છે મારે તેની સાથે જે કરવું હોય તે કરવું‘‘ આવું કહી અને આ દુષ્કર્મનો સિલસિલો વારંવાર ચાલુ રહ્યો હતો.
આ બાબતમાં અંતે ભોગ બનનારે હિંમત કરી અને કાયદાનો સહારો લીધો હતો જેમાં પોલીસ સ્ટેશનમાં જઈ અને પોતાની વ્યથા જણાવી અને ત્યાર બાદ આ મામલાની ફરિયાદ નોંધવામાં આવતા પી.એસ.આઈ. કે.એમ. ચાવડાએ આ ગુનાનું કોગ્નિઝસ લેવાય તે રીતે ફરિયાદ નોંધ કરી અને ખૂબ જ ટૂંકા સમયમાં તપાસ પૂર્ણ કરી ચાર્જશીટ નામદાર અદાલત સમક્ષ રજૂ કરી દીધેલું હતું ત્યારબાદ નામદાર અદાલતે પણ ગુનાની ગંભીરતા જોઈ અને આરોપીને જામીનમુક્ત કરેલા ન હતા.
આ કેસની આખી ટ્રાયલ દરમિયાન આરોપી જેલમાં જ રહેલ હતો જેમાં આરોપી તરફે એવો પણ બચાવ લેવામાં આવેલો હતો કે સગીર વયની ભોગ બનનારને અન્ય વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હતો અને આ પ્રેમ સંબંધ અંગે ઠપકો આપતા ભોગ બનનારે તેમની સામે આ ખોટી ફરિયાદ કરેલી છે ત્યારે સરકાર પક્ષે રહેલ પબ્લિક પ્રોસિક્યુટર કાર્તિકેય પારેખ દ્વારા દલીલ કરેલી હતી કે કોઈ વ્યક્તિ પોતાના પિતા સામે આટલી હિન કક્ષાની ખોટી ફરિયાદ ન કરે તેવું જણાવ્યું હતું.
આ આરોપીના પક્ષ તરફથી ભોગ બનનારની પરદાદી એટલે કે, આરોપીની પરદાદીની ઉલટ તપાસમાં એ પણ ખુલેલું હતું કે, આરોપીની પરદાદી એ આ બનાવ બનતા નજરે જોયેલો હતો. સામાન્ય રીતે દુષ્કર્મના કેસમાં નજરે જોયેલા સાક્ષી હોઈ શકે નહીં પરંતુ આરોપી તમામ મર્યાદા વટાવી જાય અને કુટુંબના સભ્યોની હાજરીમાં જ આ દુષ્કર્મનું કૃત્ય આચાર તો હતો તે અટકાવવા માટે ભોગ બનનારની પરદાદીએ પ્રયત્ન પણ કરેલો હતો.
આ મામલે આરોપી તરફે એક એવી પણ તકરાર લેવામાં આવી હતી કે, ફરિયાદ મોડી કરવામાં આવેલી છે તેથી તે ફરિયાદને વિશ્વસનીય ગણી શકાશે નહીં જ્યારે સરકાર પક્ષે રજૂઆત કરવામાં આવેલી હતી કે આ ભોગ બનનાર આરોપીના જ વાલી પણામાં ઉતરી રહી છે જ્યારે રક્ષક જ ભક્ષક બની ગયા હોય ત્યારે પોતાના હક વિશે ભોગ બનનારને કોઈ વિશેષ માહિતી ન હોય અને પરદાદીની જુબાનીમાં એ હકીકત પણ ખુલવામાં આવેલી હતી કે આરોપી પોતાના દાદીને પણ માર મારી લેતો હતો.
પોલીસ તરફથી આરોપી સામે નોંધાયેલ અગાઉના અલગ-અલગ દારૂ, જુગાર અને ભારતીય દંડ સંહિતાની કલમ-૩૦૬ સહિતના નવ ગુનાની એફ.આઇ.આર. ની પ્રમાણિત નકલ પણ નામદાર અદાલત સમક્ષ રજૂ કરવામાં આવેલી હતી ત્યારે ધોરાજીના મહેરબાન ટ્રેડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલીહુસેન મોહીબુલ્લાહ શેખ દ્વારા બંને પક્ષોની દલીલો સાંભળી સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ વંચાણે લઇ અને આરોપીને પોતાની સગી દીકરી ઉપર વારંવાર દુષ્કર્મ આચરવાના કેસમાં તકસીરવાન ઠરાવી અને વીસ વર્ષની કેદની સજા તથા રૂપિયા ૫,૦૦૦ નો દંડ ફટકારેલ છે તથા ભોગ બનનારને વળતર ચૂકવવા આદેશ કરેલો છે.