ઠંડીની ઋતુમાં સહેલગાહે જવાની જેટલી મોજ પડે એટલી જ મઝા વિવિધ પ્રકારના અન્ય આયોજનોમાં પણ આવે. ચાહે તે વિવાહ અને તેને લગતાં કાર્યક્રમો હોય, પૂજા હોય કે પછી ઈવનિંગ પાર્ટી. આવામાં જો તમને વારંવાર કોઈને કોઈ ઈવેન્ટમાં જવાનું થાય તો ‘પહેરવું શું?’ યક્ષ પ્રશ્ન બની રહે. ખાસ કરીને પુરૂષો માટે. મહિલાઓને તો એક કહેતાં સો વિકલ્પો આસાનીથી ઉપલબ્ધ થઈ જાય. પરંતુ પુરૂષો માટે કુરતો-પાયજામો, ચુડીદાર-કુરતો, બ્લેઝર, સુટ, ટકસેડો જેવા ગણતરીના વિકલ્પો જ હોવાના. આવી સ્થિતિમાં જો તમે કાંઈક અલગ કરવા માગતા હો, નોખા તરી આવવા ઇચ્છતા હો તો ધોતી પર પસંદગી ઉતારો. ધોતીનું નામ સાંભળીને તમને કદાચ તમારા દાદા સાંભરી આવશે. અને તમે તે મિનિટે જ ધોતી પહેરવાનો ઈન્કાર કરી દેશો. પરંતુ જરૂરી નથી કે તમે તમારા દાદા-નાના પહેરતાં હતાં એવી જ ધોતી પહેરો. તમે ચાહો તો મલ્ટીકલર પ્રીસ્ટિચ્ડ, પરંપરાગત, આધુનિક તેમ જ પૂર્વ-પશ્ચિમના સમન્વય સમી ધોતી પણ પહેરી શકો. ફેશન ડિઝાઈનરો તેના વિશે જાણકારી આપતાં કહે છે..,
જો તમે ધોતીમાં ફ્યુઝન લુક ઇચ્છતા હો તો બ્લેઝર અને બૂટ સાથે ધોતી પહેરો. અલબત્ત, આ ધોતી પરંપરાગત નહીં, બલ્કે આધુનિક પેટર્નમાં ડિઝાઈન કરેલી હોવી જોઈએ. તે મલ્ટીકલર્ડ પ્રીસ્ટિચ્ડ હશે તો વધારે જચશે. તમે ચાહો તો બ્લેઝર પર એ મટિરિયલમાંથી જ બનાવેલું બેલ્ટ પણ પહેરી શકો. શરત માત્ર એટલી કે તમારું પેટ સપાટ હોવું જોઈએ.
જે લોકોને ધોતિયું પહેરવાની ફાવટ ન હોય તેમને માટે પ્રીસ્ટિચ્ડ ધોતી અચ્છો વિકલ્પ ગણાય. અગાઉથી સીવેલી ધોતી પહેરવા માટે તમને કોઈની મદદની જરૂર પણ નહીં પડે તેમ છતાં તમે ધોતિયું પહેરવાનો આનંદ ણ લઈ શકશો. લગ્ન સમારોહ કે પૂજા જેવા પ્રસંગે આવા પ્રકારના ધોતિયાં ખૂબ જચે છે.
જેમને હટકે ફેશન કરવામાં સંકોચ ન થતો હોય તે સાડીને ધોતિયા તરીકે પહેરી શકે. સરસ મઝાની વૈભવી સાડી ધોતીની જેમ પહેરવાથી તમે પણ વૈભવશાળી દેખાશો. તમે ચાહો તો સિલ્કની સાડીની ધોતી પહેરો કે અન્ય કોઈ ફેબ્રિકની. અલબત્ત, જ્યારે તમે ભારે સાડીને ધોતિયા તરીકે પહેરો ત્યારે તમારો કુરતો સિમ્પલ રાખો. પરંતુ જો તમારો ઝભ્ભો ભારે હોય તો ધોતિયું સિમ્પલ રાખો. હા, તેમાં ગોલ્ડન બોર્ડર હશે તો ચાલશે.
તાજેતરમાં અભિનેતા સૈફ અલી ખાન ગોલ્ડન કલરની મયૂરપૂચ્છ પેટર્નની બંગાળી ધોતી અને મરૂન કલરના ઊભી બોર્ડર લગાવેલા કુરતામાં જોવા મળ્યો હતો. તેની ધોતીની પેટર્ન બિલકુલ એવી લાગતી હતી જાણે મોર તેના પંખ ફેલાવી રહ્યું છે. સમૃધ્ધ દેખાવ માટે આવું ધોતિયું પરફેક્ટ ચોઈસ ગણાય.
ધોતી-કુરતા સાથે સરસ મઝાની એક્સેસરી તમને વધુ પ્રભાવશાળી-વૈભવશાળી લુક આપે છે. જેમ કે કુરતા અથવા બ્લેઝર પર કમરપટ્ટો, કોલ્હાપુરી ચંપલ અથવા મોજડી. જો કુરતો બંધ ગળાનો હોય તો તેના ઉપર હીરાજડિત પેન્ડન્ટ સાથેનું ચેન પહેરી શકાય. તદુપરાંત કફલિંક્સ, બ્રોચ, પોકેટ સ્કવેયર, સ્ટોલ અથવા શાલ જેવી એક્સેસરી તમને પ્રભાવી દેખાવ આપે છે.