અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ૨૯ એપ્રિલે પોતાના કાર્યકાળના ૧૦૦ દિવસના સીમાચિહ્નરૂપ પર પહોંચવાના છે. આ ૧૦૦ દિવસમાં ટેરિફની જાહેરાત, તેનો અમલ મુલતવી રાખવો, એક્ઝિક્યુટિવ ઓર્ડર સહિતના અન્ય નિર્ણયોના કારણે ટ્રમ્પ વૈશ્વિક ચર્ચામાં ઉભરી આવ્યા છે. યુએસ રાષ્ટ્રપતિએ વિશ્વના બજારોને અનિશ્ચિતતા અને ઉથલપાથલ અને અરાજકતા વચ્ચે ફસાવી દીધું છે.
ટ્રમ્પ દ્વારા ટેરિફની જાહેરાત અને બજારોની અનિશ્ચિતતા અને ઉથલપાથલ બાદ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે તેની તાજેતરની આગાહીમાં, વૈશ્વિક વૃદ્ધિના અંદાજને ઘટાડી ૩ ટકાથી નીચે કર્યો છે અને જો અનિશ્ચિતતા ચાલુ રહે તો વધુ ખરાબ થવાની ચેતવણી આપી છે.
અમેરિકાના મિશિગન યુનિવર્સિટીના ગ્રાહક ભાવના સર્વે – ૫૨ પર છે, જે ડિસેમ્બરના સ્તર ૭૪ કરતા ઘણો નીચે છે. ટ્રમ્પના રાષ્ટ્રપતિ પદના ૧૦૦ દિવસ નજીક આવી રહ્યા છે, તેમ તેમ તેમણે અત્યાર સુધી જે કર્યું છે તેના પર અમેરિકનોના મંતવ્યો ખૂબ જ નકારાત્મક બન્યા છે.
અમેરિકી શેરબજારનો ડાઉ જોન્સ રોલરકોસ્ટર પર છે. ટેરિફની જાહેરાત સાથે તે નીચે ગયો, ૯૦-દિવસના વિલંબના સમાચાર સાથે તે વધ્યો, અને વધતા જતા વૈશ્વિક વેપાર યુદ્ધના હેડલાઇન્સ સાથે તેમાં પ્રચંડ વોલાટાલિટી જોવા મળી છે.
કોરોનાવાયરસ પછી બજારોએ સૌથી ખરાબ ઘટાડાનો સામનો કરવો પડયો અને બોન્ડ માર્કેટમાં પણ ઐતિહાસિક ગભરાટ જોવા મળ્યો હતો. વૈશ્વિક રોકાણકારો યુએસ શેરબજારમાંથી અભૂતપૂર્વ દરે નાણાં ખેંચી રહ્યા છે. તેઓ યુએસ ટ્રેઝરી પણ વેચી રહ્યા છે, જેણે દાયકાઓમાં તેમના સૌથી ખરાબ પતનમાંથી એકનો સામનો કર્યો હતો અને ઇક્વિટી મૂલ્યાંકન પર દબાણ ઉમેર્યું હતું.
ટ્રમ્પના કાર્યકાળની શરૂઆતથી, ઇન્ડેક્સ લગભગ ૧૦% ઘટયો છે, જે બાકીના વિશ્વના મોટાભાગના દેશો કરતાં ખૂબ જ નબળો દેખાવ કરી રહ્યો છે. યુરોપનો STOXX ૬૦૦, જે વર્ષોથી યુએસ બજારથી પાછળ રહ્યો હતો, તે ૧% ઘટયો છે, જ્યારે વૈશ્વિક વેપાર યુદ્ધનો સૌથી વધુ ભોગ બનેલા ચાઇનીઝ બ્લુ ચિપ્સ, ફક્ત ૧.૨% ઘટયા છે.
ડોલર ઈન્ડેક્સ જે ગતિએ ઘટયો છે તે આશ્ચર્યજનક છે. જાન્યુઆરીથી વિશ્વના અન્ય ટોચના ચલણો સામે તેનો ૮% ઘટાડો ૧૯૭૧ પછીની સૌથી ખરાબ દેખાવ છે, જ્યારે સોનામાં ઉછાળો નોંઘાયો છે. ટેરિફના ભયે, વૈશ્વિક મંદીની શક્યતા વધારી છે, કારણ કે કંપનીઓ અને કેન્દ્રીય બેંકરો યુએસ નીતિઓના આધારે નિર્ણયો લેવાનો પ્રયાસ કરે છે.
જેપી મોર્ગન અને ગોલ્ડમેન જેવી સંસ્થાના અર્થશાસ્ત્રીઓ, તેમજ રેટિંગ એજન્સીઓ અને અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, વધુને વધુ નિરાશાવાદી બની રહ્યા છે અને વૈશ્વિક અર્થતંત્રમાં ઘટાડો થવાની અપેક્ષા રાખે છે. એપ્રિલમાં ટેરિફની જાહેરાત પહેલાં જ, યુએસ ફેડરલ રિઝર્વે યુ.એસ. માટે તેના વિકાસ અનુમાનને ડાઉનગ્રેડ કર્યું હતું. આમ, અમેરિકામાં મંદીની શક્યતાઓ પ્રબળ બની છે.
શેરબજારોની વાત કરીએ તો વિશ્વના અનેક બજારોમાં સૂચકાંકોમાં ઘટાડો થયો અને પછી તેજી પણ જોવાઈ, પરંતુ બેન્ચમાર્ક S&P ૫૦૦ તેના ઉચ્ચતમ સ્તરથી પાછળ રહ્યો અને રોકાણકારોએ વિશ્વભરમાં અબજોનું નુકસાન કર્યું હતું. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સમાં ટોચના ૧૦માંના દરેકે પૈસા ગુમાવ્યા છે.