Mumbai,તા.24
સિંગર ઉદિત નારાયણની પહેલી પત્ની રંજના ઝાએ તેની સામે ભરણપોષણનો કેસ કર્યો છે. ઉદિત નારાયણ શુક્રવારે ફેમિલી કોર્ટમાં હાજર થયાં હતાં અને રંજના સાથે સમાધાન કરવાનો ઇનકાર કર્યો હતો. ઉદિત કહે છે કે રંજના પૈસા પડાવવા માટે બધું જ કરી રહી છે. સાથે જ રંજનાએ ઉદિત નારાયણ પર ઘણાં ગંભીર આરોપ પણ લગાવ્યાં હતાં.
સિંગર ઉદિત નારાયણ તાજેતરમાં જ એક મહિલા ચાહકને કિસ કરવાને કારણે ચર્ચામાં હતાં, અને હવે તે તેની પહેલી પત્ની રંજના ઝાએ દાખલ કરેલાં ભરણપોષણના કેસ માટે સમાચારમાં છે. ઉદિત નારાયણ 21 ફેબ્રુઆરી, શુક્રવારે ફેમિલી કોર્ટમાં હાજર થયાં હતાં. ઉદિત નારાયણે રંજના સાથે સમાધાન કરવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે તેઓ આ કેસ લડશે.
કોર્ટે ઉદિત નારાયણને 28 જાન્યુઆરી સુધીમાં પોતાનો જવાબ દાખલ કરવાની છેલ્લી તક આપી હતી. ઉદિત નારાયણની કોર્ટમાં આ પહેલી વાર હાજરી હતી. આ પહેલાં જો તે કોર્ટમાં ન પહોંચ્યાં તો 10 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
જ્યારે કોર્ટે ઉદિત નારાયણ અને તેની પ્રથમ પત્ની રંજનાનું કાઉન્સેલિંગ કર્યું હતું, જ્યારે ગાયકે વિનંતી કરી હતી કે વધુ સુનાવણી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાથ ધરવામાં આવવી જોઈએ.
આ સાથે જ ઉદિત નારાયણે રંજના સાથે કોર્ટમાં સમાધાન કરવાનો ઇનકાર કરતાં પોતાનાં લેખિત જવાબમાં જણાવ્યું હતું કે રંજના તેની પાસેથી પૈસા પડાવવા માટે આ બધું કરી રહી છે. તેમણે કોર્ટથી સાચી હકીકતો છુપાવી છે અને સાચી માહિતી આપી નથી. સિંગરના જણાવ્યાં અનુસાર અગાઉ બિહાર મહિલા આયોગમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ બંને પક્ષો વચ્ચે સમજૂતી થઇ હતી.
જો કે, એનસીડબ્લ્યુએ 4 જુલાઈ, 2013 ના રોજ અરજીને નકારી કાઢી હતી કારણ કે તેને જાણવા મળ્યું હતું કે નારાયણ તેની પત્ની રંજનાને દર મહિને 15000 રૂપિયા ચૂકવે છે. નારાયણે પોતાની પત્નીને આપેલી રકમ જાન્યુઆરી 2021માં વધારીને 25000 રૂપિયા કરી હતી. આ ઉપરાંત તેણે રંજનાને એક કરોડનું મકાન અને ખેતીની જમીન પણ આપી હતી. આ જમીન પર એક રૂમ છે, જેને રંજનાએ દર મહિને 6000 રૂપિયામાં ભાડે આપ્યો છે.
કમિશનને એવું પણ જાણવા મળ્યું હતું કે રંજનાએ તેનાં પતિ ઉદિત નારાયણ પાસેથી માત્ર 25 લાખ રૂપિયાનાં દાગીનાં જ લીધાં ન હતાં, પરંતુ તેને જે જમીન આપવામાં આવી હતી તે પણ વેચી દીધી હતી. ઉદિત નારાયણનું કહેવું છે કે રંજના તેની પાસેથી પૈસા પડાવવા માંગે છે, તેથી તેને કેસ દાખલ કર્યો છે.
રંજના ઝાના વકીલ અજય કુમારે જણાવ્યું કે, રંજના તેમનાં પતિ સાથે રહેવા માંગે છે. તેની ઉંમર અને સ્વાસ્થ્યને જોતા તે પોતાનું બાકીનું જીવન પોતાનાં પતિ સાથે વિતાવવા માંગે છે. જો કે કોર્ટે બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ઉદિત નારાયણે સ્પષ્ટ ના પાડી દીધી હતી. ઉદિતે કોર્ટને કહ્યું હતું કે તે રંજના ઝાને પોતાની સાથે નહીં રાખે.
અજય કુમારે વધુમાં જણાવ્યું હતું કે રંજનાના લગ્ન ઉદિત નારાયણ સાથે 7 ડિસેમ્બર, 1984ના રોજ થયાં હતાં. 1988 માં ઉદિત નારાયણે લોકપ્રિયતા મેળવી ત્યારે તેમણે રંજનાને પત્ની તરીકે સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. વિવાદ વધ્યો અને રંજનાએ 2006 માં મહિલા આયોગનો સંપર્ક કર્યો. 28 જુલાઈ, 2006 ના રોજ ઉદિત નારાયણે રંજનાને પટનમાં એક ફ્લેટ અને અન્ય મદદ આપવાનું વચન આપ્યું હતું, પરંતુ બાદમાં તેમણે તેમ કર્યું ન હતું. આ પછી રંજનાએ ભરણપોષણ માટે ફેમિલી કોર્ટમાં કેસ કર્યો હતો. કોર્ટમાં સુનાવણી બાદ ઉદિત નારાયણ મીડિયાને ટાળતાં જોવા મળ્યાં હતાં. જ્યારે નજીકનાં લોકો ગાયકને તેની કાર સુધી લઈ ગયાં, ત્યારે તે મીડિયાથી પોતાનો ચહેરો છુપાવતાં જોવા મળ્યાં હતાં.
કોર્ટની બહાર રંજના ઝાએ મીડિયાને કહ્યું કે “ઉદિત નારાયણે માત્ર મારી અવગણના જ નથી કરી, પરંતુ નેપાળમાં પોતાની જમીનનાં 18 લાખ રૂપિયા પણ રાખ્યાં છે. હું ફક્ત મારા હક માટે લડી રહી છું. હું મુંબઈમાં ઉદિત નારાયણને મળવા જાઉં છું ત્યારે મારી પાછળ ગુંડાઓ મૂકવામાં આવે છે. રંજનાએ એવો દાવો કર્યો હતો કે, લગ્ન બાદ પણ તેને પત્નીનો દરજ્જો મળ્યો નથી અને તે પોતાનાં અધિકારોથી વંચિત રહી ગઇ છે. આ મામલો હવે કોર્ટમાં છે.
આ દરમિયાન, આ કેસમાં એક નવો વળાંક આવ્યો છે. આ સમગ્ર મામલે માનવાધિકાર વકીલ એસ.કે.ઝાએ હવે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચનો સંપર્ક સાધ્યો છે. તેમણે એનએચઆરસી અને બીએચઆરસીમાં બે અલગ અલગ અરજીઓ દાખલ કરી છે.
એસ.કે.ઝાએ ધ્યાન દોર્યું હતું કે, ભારતીય બંધારણ મુજબ પ્રથમ પત્નીને છૂટાછેડા આપ્યા વિના બીજાં લગ્ન કરવા ગેરકાયદેસર છે અને હિન્દુ મેરેજ એક્ટ મુજબ આવી સ્થિતિમાં તેમનાં બીજા લગ્નને રદબાતલ અને ગેરકાયદેસર ગણવા જોઈએ.