અક્ષર માર્ગ પર એકટીવાને ઠોકર મારી મહિલા ચાલકને ઇજા પહોંચાડી ગાળાગાળી, મારકુટ અને ધમકી આપી ‘ તી
Rajkot,તા.06
શહેરમાં કાલાવડ રોડ નજીક અક્ષર માર્ગ ઉપર આગળ જઈ રહેલા એકટીવાને ઠોકર મારી મહિલાચાલકને ઇજા પહોંચાડી ગાળાગાળી, મારકુટ અને ધમકી આપવા અંગેના પોણા બે વર્ષ પહેલાના કેસમાં અદાલતે આઇ-ટ્વેન્ટી કારના ચાલક સહિત બે આરોપીને 6-6 માસની કેદ અને એક એક હજાર દંડનો હુકમ કર્યો છે.આ અંગેની હકીકત મુજબ, ગઈ તારીખ 17/ 4/ 2023ના સાંજે જીએસટી વિભાગના મહિલા ઇન્સ્પેક્ટર મેઘાબેન રાજેશભાઈ વડુકિયા પોતાનું એકટીવા સ્કૂટર લઈને ઓફિસેથી ઘરે જઈ રહ્યા હતા, ત્યારે કાલાવડ રોડથી સ્વામિનારાયણ મંદિર સામેના અક્ષર માર્ગ ઉપર જતા હતા, ત્યારે આઈ-૨૦ કાર નં.જી.જે. ૦૩. એમ.આર. ૦૦૨૮એ સ્કૂટરને પાછળથી ઠોકર મારતા મેઘાબેન પડી જતા તેમને ઇજા થઈ હતી તેમજ સ્કૂટરને નુકસાન થયું હતું, મેઘાબેન કારના ચાલકને સરખી રીતે કાર ચલાવવાનું કહેતા આઈ -૨૦ કારમાંથી ચાલક સહિત બે શખ્સોએ ન નીકળી મેઘાબેનને જેમ ફાવે તેમ જાહેરમાં અશ્લીલ ગાળો આપી, ધકકો મારી નીચે પછાડી મોઢાના ભાગે તથા પેટના ભાગે પાટું મારી ઇજા પહોંચાડી ભાગી છુટ્યા હતા. આ અંગે મેઘાબેન વડુકીયાએ માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન ફરિયાદી મેઘાબેન હોસ્પિટલમાં સારવાર પણ લેવી પડી હતી. પોલીસે તપાસ ચલાવી કાર ચાલક નિતીન મહેશભાઈ નંદા (રહેવાસી વૈદિક વિહાર સોસાયટી બ્રહ્માણી પાર્કની સામે સેટેલાઈટ ચોક, મોરબી રોડ) અને જેસા રામભાઈ ભોળા, (રહે. મારુતિ પાર્ક સોસાયટી નંબર 4, સત્યસાંઇ રોડ રાજકોટ)ની ધરપકડ અને ધોરણસરની કાર્યવાહી બાદ અદાલતમાં કેસ દાખલ કર્યો હતો. જે કેસ ચાલવા ઉપર આવતા પ્રોસિક્યુશન દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવાઓ તેમજ એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર પૂજાબેન જોષીની રજૂઆતો, દલીલો અને ઉચ્ચ અદાલતોના ચુકાદાઓ ધ્યાને લઈ બીજા એડિશનલ જ્યુશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ વિનતીએ બંને આરોપીઓ નીતિન મહેશભાઈ નંદા અને જેસા રામભાઈ ભોળાને કલમ 323, 114ના ગુનામાં તકસીરવાર ઠરાવી બંનેને છ-છ માસની કેદ અને રૂપિયા એક-એક હજાર દંડનો હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર પક્ષે એપીપી પૂજાબેન એસ જોષી રોકાયા હતા.