Pakistan,તા.13
બલુચિસ્તાનમાં બલુચ બળવાખોરોએ બંધક બનાવેલ બધા ટ્રેન યાત્રીઓને છોડાવી લીધાનો દાવો પાકિસ્તાની સેનાએ કર્યો છે. આ ઓપરેશનમાં બધા 33 બલુચ ઠાર થયા છે, આ સાથે ઓપરેશન ખતમ થઈ ગયું છે.
આ અંગેની વિગત મુજબ બે દિ’ પહેલા પાકિસ્તાનમાં બલુચિસ્તાનમાં બલુચ બળવાખોરોએ જાફર એકસપ્રેસ ટ્રેન હાઈજેક કરીને યાત્રીઓને બંધક બનાવ્યા હતા.
આ યાત્રીઓને છોડવાના બદલામાં બલુચ બળવાખોરોએ તેમના નેતાઓને મુક્ત કરવાની માંગ કરી હતી. પરંતુ બે દિવસના હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ પાકિસ્તાની સેનાએ બંધકોને છોડાવી લીધાનો દાવો કર્યો છે.
પાક. સેનાએ કહ્યું હતું કે બલુચ વિદ્રોહીઓએ બંધક બનાવેલ 21 યાત્રીઓ અને 4 સૈનિકોની હત્યા કરી છે. આ પહેલા સુરક્ષાદળોએ 190 યાત્રીઓને છોડાવ્યાની વાત કરાઈ હતી, જયારે ટ્રેન હાઈજેક કરનાર બીએલએએ 50 બંધકોની હત્યા કર્યાનો દાવો કર્યો હતો.
પાકિસ્તાની સેનાના પ્રવકતા લેફટીનેન્ટ અહમદ શરીફે બુધવારે સાંજે જણાવ્યું હતું કે હાજર બધા 33 વિદ્રોહીઓને ઠાર કરી યાત્રીઓને સુરક્ષિત બચાવી ઓપરેશન સફળતાપૂર્વક પુરું કરી લીધું છે. તેમણે જયારે મંગળવારે ટ્રેન પર હુમલો કરેલો ત્યારે 21 યાત્રીઓની હત્યા કરી દીધી હતી.
અર્ધ સૈનિક ફ્રન્ટીયર કોરના ચાર સૈનિક માર્યા ગયા હતા. જો કે પાકિસ્તાનના ગૃહ રાજયમંત્રી તલાલ ચૌધરીએ કહ્યું હતું કે હુમલામાં 70-80 વિદ્રોહીઓ સામેલ હતા.