Washington, તા. 6
અમેરિકામાં પ્રમુખ પદે સત્તારૂઢ થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ ટેરીફ વોરથી માંડીને વિશ્વભરમાં પ્રત્યાઘાતો સર્જતા નિર્ણયો લઇ રહ્યા છે ત્યારે હવે અમેરિકી સાંસદ બ્રેન્ડોન ગીલે 100 ડોલરની ચલણી નોટ પર ટ્રમ્પનો ફોટો લગાવવાની માંગ સાથે બીલ રજુ કર્યુ છે.
આ વિધેયક પસાર થવાના સંજોગોમાં 31 ડિસેમ્બર 2026 સુધીમાં ટ્રેઝરી વિભાગે 100 ડોલરની નોટની નવી ડિઝાઈન જારી કરવી પડશે અને 31 ડિસેમ્બર 2028 પછી રજુ થનારા તમામ બીલ પર ટ્રમ્પનો ફોટો ફરજીયાત બનશે.
અમેરિકાના કાયદા પ્રમાણે અમેરિકી કરન્સી નોટ પર જીવિત વ્યકિતનો ફોટો મુકી શકાતો નથી. ટેકસાસના સાંસદ દ્વારા ગોલ્ડન એજ એકટ ઓફ 2025 તરીકે આ બીલ પેશ કરવામાં આવ્યું છે. સાંસદના આ વિધેયકને ટ્રમ્પના સમર્થકોએ પણ તેને સમર્થન કર્યુ છે.
સાંસદે એમ કહ્યું કે, અમેરિકાનો સુવર્ણ યુગ હજુ શરૂ થયો છે. અમેરિકાને ફરી મહાન બનાવવા માટે લડાઇ લડવા સિવાય કોઇ કામ કરવાનું નથી. સાંસદના ટવીટને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો.
કેટલાકે ટીકા કરી હતી જયારે અનેકે સમર્થન કર્યુ હતું. સાંસદ ગીલે કહ્યું કે, અમેરિકાને ફરી સુવર્ણ યુગમાં મુકવા ટ્રમ્પ જેવું કોઇએ કામ કર્યુ નથી અને તે માટે ગોળી (હત્યાનો પ્રયાસ) પણ ઝીલી છે. તેમને આદર-માન આપવાનો આ પ્રયાસ છે.