Gaza Strip પર ટ્રમ્પનો ડોળો : અમેરિકી અંકુશમાં લઈ લેશે

Share:

Washington,તા.05
પનામા નહેર અને ગ્રીનલેન્ડ- દેશ પર દાવો કર્યા બાદ હવે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ મધ્યપુર્વમાં પણ ઝંપલાવવા તૈયાર છે અને હાલમાં જ ભીષણ યુદ્ધ બાદ લગભગ તબાહ થયેલા ગાઝા પટ્ટી સંભાળવા તૈયારી બતાવી છે.

ટ્રમ્પે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતાનયાહુ સાથે લાંબી દ્વીપક્ષી બેઠક બાદ એક પત્રકાર પરિષદમાં જાહેર કર્યુ કે અમેરિકા ગાઝા પટ્ટી પર અંકુશ લઈ લેશે અને ત્યાં અમેરિકી સૈન્ય તૈનાત કરીને આ ક્ષેત્રને આતંકવાદ-શસ્ત્રો-દારૂગોળાથી મુક્ત કરાવશે. ઈઝરાયેલના વડાપ્રધાન નેતાનયાહુએ પણ આ અંગે સંમતી આપતા હવે મધ્યપુર્વ સહિતના મુસ્લીમ આરબ રાષ્ટ્રોમાં જબરો ખળભળાટ સર્જાય તેવા સંકેત છે.

અમેરિકામાં રાષ્ટ્રપતિ બન્યા બાદ તેમની કોઈ વિદેશી રાષ્ટ્રવડા સાથેની પ્રથમ મુલાકાત બની રહી છે. ટ્રમ્પે જાહેર કર્યુ કે મધ્યપુર્વમાં લાંબાગાળાની સ્થિરતા શાંતિ માટે આ જરૂરી છે. શ્રી ટ્રમ્પે કહ્યું કે તમો આ ક્ષેત્રની જવાબદારી સ્વીકારી તેને શસ્ત્રો-દારૂગોળા મુક્ત કરવા માંગીએ છીએ. શ્રી ટ્રમ્પે ગાઝા પટ્ટીમાં ઘેરાયેલા વિનાશ અંગે કહ્યું કે સમગ્ર ક્ષેત્રને સાફ કરીને નવા આર્થિક વિકાસ માટે અમો કામ કરશુ જેનાથી નવી રોજગારી, વ્યાપાર ધંધાથી તક સર્જાશે.

તેઓએ કહ્યું કે, ગાઝાપટ્ટીના લોકો કોઈ નવી રોજગારી નવા કામ કરે તેવું અમો ઈચ્છીએ છીએ. ઈઝરાયેલના વડાપ્રધાન નેતાન યાહુએ પણ આ મુદાને સમર્થન આપીને ખૂબજ મહત્વનું ગણાવ્યું હતું.

તેઓએ કહ્યું કે, લાંબા સમયથી ત્રાસવાદમાં ફસાયેલા આ ક્ષેત્રને અમો નવું ભવિષ્ય આપવા તૈયાર છીએ. અમારા પર અસંખ્ય હુમલા થયા છે અને અનેક ટ્રાયલ- ટ્રીબ્યુનલ પણ આ સમસ્યાનો અંત લાવી શકી નથી.

શ્રી ટ્રમ્પે ગાઝાને સુરક્ષિત કરવા જે જરૂરી હશે તે તપાસ કરાશે તેથી જણાવ્યુ કે, ભવિષ્યમાં હું મધ્યપુર્વ જઈશ ત્યારે ગાઝા-ઈઝરાયેલ અને સાઉદી અરેબિયાની મુલાકાત લેશે. જો કે અગાઉજ ઈઝરાયેલ ગાઝાના લોકોને મધ્યપુર્વમાં અન્ય દેશોમાં વસી જવા અપીલ કરી હતી. આમ અમેરિકા અને ઈઝરાયેલ સાથે મળીને ગાઝા ક્ષેત્રને ખાલી કરાવે તેવો પણ સંકેત છે અને તેનો ગાઝામાં મોટો વિરોધ થાય તો ફરી અશાંતિ સર્જાઈ શકે છે.

બીજી તરફ ટ્રમ્પે ઈરાન અને પેલેસ્ટાઈન પર દબાણ વધારવાનું શરૂ કર્યુ છે અને સંયુક્ત રાષ્ટ્રસંઘ માનવ અધિકાર પરિષદમાંથી અમેરિકા બહાર નિકળી ગયુ છે અને પેલેસ્ટાઈન માટેની સંયુક્ત રાષ્ટ્ર રાહત કાર્ય એજન્સીમાં પણ અમેરિકી ભંડોળમાં કાપ મુકી દીધા છે.

ટ્રમ્પે ગઈકાલે આ આદેશ પર સહી કરી હતી. તેમનો ટાર્ગેટ ઈરાન છે અને હવે તેલ નિકાસ મુદે અમેરિકા પ્રતિબંધ વધારી શકે છે. ટ્રમ્પે કહ્યું કે ઈરાન અણુશસ્ત્રોના નિર્માણમાં બહું નજીક પહોંચી ગયું છે તેથી આ પ્રકારના પ્રતિબંધ જરૂરી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *