Surendranagar,તા.28
સરેન્દ્રનગર-મુળી હાઈવે પર પાટણ-દ્વારકા રૂટની એસટી બસ, કાર અને બાઈક વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બસમાં સવાર સાતથી વધુ વ્યક્તિઓને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. જ્યારે કાર અને બાઈકમાં સવાર ચારથી પાંચ વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો.
સુરેન્દ્રનગર-મુળી હાઈવે પર ત્રિમંદિર પાસે પાટણ-દ્વારકા રૂટની એસટી બસ, કાર તેમજ બાઈક વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો જેમાં એસટી બસમાં સવાર સાત જેટલા મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને કારણે એસટી બસ રોડની સાઈડમાં ઉતરી વીજ પોલ સાથે ઘડાકાભેર અથડાતા એસટી બસને નુકસાન થયુંં હતું. તેમજ કાર અને બાઈકમાં સવાર અંદાજે ચારથી પાંચ વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથધરી હતી. પાટણથી દ્વારકા તરફ એસટી બસ અંદાજે ૫૦થી વધુ મુસાફરોને લઈ જઈ રહી હતી. તે દરમિયાન ત્રિપલ અકસ્માત સર્જાતા મુસાફરોના જીવ તાળવે ચોંટયા હતા. જો કે કોઈ જાનહાનીનો બનાવ બન્યો નહોતો પરંતુ અકસ્માતને પગલે બસમાં સવાર મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. એસટી વિભાગને જાણ કરવામાં આવતાં થોડી કલાકો બાદ અન્ય એસટી બસની વૈકલ્પિક વ્યવસ્થા કરી મુસાફરોને આગળ તરફ રવાના કર્યા હતા.
અઠવાડિયા પહેલા સાંતલપુર તાલુકાની મહિલાઓને દ્વારકા દર્શને જતી વખતે અકસ્માત નડયો હતો
પાટણના સાંતલપુરના બકુત્રા, ધોકાવાડા, જામવાડા અને પાટણકા ગામની આહીર સમાજની એકલી ૧૨ મહિલાઓનો સંઘ બાધા પૂર્ણ કરવા માટે દ્વારકા દર્શન અર્થે પગપાળા સંઘ લઈને નીકળી હતી.
જામનગરના જોડીયા ગામ નજીક ભાદરા પાટિયા પાસે વહેલી સવારે રોડની સાઈડમાં અંધારામાં મહિલાઓ પગપાળા પસાર થઈ રહી હતી ત્યારે પાછળથી આવેલા અજાણ્યા ટ્રકચાલકે સંઘની મહિલાઓ પૈકી ૬ પદયાત્રી મહિલાઓને અડફેટે લઈને નાસી છુટયો હતો. જેમાં ત્રણ મહિલા પદયાત્રીના મોત થયા હતા અને અન્ય ત્રણ મહિલાઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી.