Vadodara,તા.16
વડોદરા શહેર જિલ્લામાં પાછલા 5 વર્ષમાં 4.85 લાખ વાહનોના રજીસ્ટ્રેશન સાથે કુલ વાહનોની સંખ્યા વધીને 18.86 લાખે પહોંચી છે. શહેરમાં વાહનોની સંખ્યામાં વધારો થતા ટ્રાફિક-પાર્કિંગની વિકટ પરિસ્થિતિ ઉદ્ભવી છે. જે તે સમયે ભવિષ્યને ધ્યાનમાં રાખીને પ્લાનિંગ કરવામાં નહિ આવતા વાહનો રોડ પર પાર્ક થયેલા નજરે પડે છે. લોકો માટે માથાનો દુખાવો બનેલ ટ્રાફિક-પાર્કિંગની સમસ્યાના ઉકેલ માટે નક્કર આયોજન હાલ નજરે ચડી રહ્યું નથી.
ચાલુ વર્ષે નો-પાર્કિંગના 5728 કેસો કર્યા છે. જુના સીટી વિસ્તારમાં વર્ષો જૂના બાંધકામ અને રસ્તા સાંકડા હોવાથી સ્થાનિકો ઉપરાંત ખરીદી માટે બહારથી આવતા લોકોનો પણ ભારે ઘસારો હોય પાર્કિંગની સમસ્યા રહે છે. વાહન ટોઇંગની કામગીરી આ મહિનાથી ફરી શરુ થઈ જશે. લોકોને ખ્યાલ આવે તે માટે પબ્લિક પાર્કિંગ પ્લેસ આઇડેન્ટીફાઈ કરી પીળા રંગના પટ્ટા કરવા કોર્પોરેશનને જાણ કરી છે. કોર્પોરેશન સાથે સંકલન કરી મલ્ટીલેવલ પાર્કિંગ બાબતેની ચર્ચા કરી છે. તેમજ રીક્ષા સ્ટેન્ડ અંગે પણ સર્વે ચાલી રહ્યો છે. – જ્યોતિ પટેલ, ટ્રાફિક ડીસીપી
શહેરમાં અટલ બ્રિજ , અમિતનગર બ્રિજ, ફતેગંજ બ્રિજ સહિતના બ્રીજોની નીચે પાર્કિંગના ઇજારા ફાળવી દેતા તેમજ ગેરકાયદેસર પાર્કિંગના કારણે વાહનોનો જમાવડો જોવા મળે છે, કેટલાક કિસ્સામાં આડેધડ પાર્કિંગ અકસ્માતનું કારણ બને છે, તેવી જ રીતે શહેરની ફરતે આવેલ હાઇવેની ચોકડીઓની નજીક નોકરિયાત વર્ગ મોટી સંખ્યામાં વાહનો પાર્ક કરી રહ્યા છે. જેથી સમા તળાવ, હરણી મોટનાથ તળાવ, દુમાડ ચેક પોસ્ટ જેવા ચોકડીની નજીકના સ્થળોએ મોટી સંખ્યામાં વાહનો આડેધડ પાર્ક થઈ રહ્યા છે.
શહેરમાં વાહનોની સંખ્યા વધી રહી છે પરંતુ, પાર્કિંગની જગ્યા મર્યાદિત છે, જેના કારણે શહેરીજનોને દરરોજ પાર્કિંગની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો રસ્તાઓ પર પાર્કિંગ કરે છે અને તેના કારણે રસ્તાઓ અત્યંત સાંકડા બની જાય છે. જેનાથી ટ્રાફિકની અવરજવરમાં અવરોધ ઊભો થાય છે. શહેરના અમિતનગર , ચાર દરવાજા , અક્ષર ચોક, અટલ બ્રિજ, શહેરમાં પ્રવેશતા માર્ગો સહિતના સ્થળોએ પીકઅવર્સમાં ભારે ટ્રાફિકથી લોકો પરેશાન છે. શહેરના સુરસાગર રોડ, અકોટા, મંગળ બજાર, ચાર દરવાજા, જેતલપુર,અલકાપુરી, બીપીસી રોડ, ફતેગંજ, સયાજીગંજ, જેપી રોડ, વીઆઇપી રોડ, વાઘોડિયા રોડ, મુક્તાનંદ સહિતના વિસ્તારોમાં પાર્કિંગ શોધવું લોઢાના ચણા ચાવવા સમાન છે. દુકાનોના માલિકો રસ્તા પર લોખંડના પગથિયાં, પૂતળા , બોર્ડ ગેરકાયદેસર મૂકી રસ્તો બંધ કરી દે છે. બિલ્ડરો તથા કોર્પોરેશનની સાંઠગાંઠથી પાર્કિંગ સ્પેસ ગ્રાહકો કે મહેમાનો માટે અનામત રાખવામાં આવી રહી નથી. મુખ્ય માર્ગ પરના રીક્ષા – બસ સ્ટેન્ડના ધારાધોરણનું અમલીકરણ જરૂરી બન્યું છે. તાજેતરમાં કોર્પોરેશનએ શહેરમાં જ્યાં ટ્રાફિક વધુ રહે છે તેવા વિસ્તારોમાં ટીપી સ્કીમના 19 પ્લોટમાં પે એન્ડ પાર્ક સુવિધા ઉભી કરવાનું આયોજન હાથ ધર્યું હોય જોવું રહ્યું.
રાજ્યના તમામ શહેરોમાં પાર્કિંગની સુવિધા માટે પાર્કિંગ પોલીસી બનાવવા વર્ષ 2018માં શહેરી વિકાસ વિભાગ તરફથી તમામ મહાનગરપાલિકાને સુચના આપ્યા બાદ વડોદરા કોર્પોરેશને વર્ષ 2015ના ડેટાના આધારે વર્ષ 2019માં પાર્કિંગ પોલિસી બનાવી વર્ષ 2022માં સરકારની મંજૂરી માટે મોકલી આપી હોય જે હજી પણ પેન્ડિંગ છે. પોલિસીના અભાવે બેફામ અને બેરોકટોક પાર્કિંગ થઈ રહ્યું છે.
શહેરના ભરચક વિસ્તારોમાં મલ્ટિ સ્ટોરી પાર્કિંગ બનાવવું આજની જરૂરિયાત છે, પરંતુ હજી પણ તેની શરૂઆત કરવામાં આવી નથી. કોર્પોરેશન દ્વારા અલકાપુરી વિસ્તારમાં અંદાજે 10 કરોડનો ખર્ચે 180 વાહનો પાર્ક થઈ શકે તેવું આયોજન હાથ ધર્યું હતું. તેમજ પદ્માવતી શોપિંગ સેન્ટરને દૂર કરીને 6 માળનું મલ્ટી લેવલ પાર્કિંગ બનાવવાની વિચારણા પણ કરી હતી. જેમાં 1000 જેટલા વાહનો પાર્ક થઇ શકે.
લોકોને વાહન પાર્ક કરવાની જગ્યા ન મળતા મુખ્ય માર્ગ તથા સોસાયટીઓ ખાતે વાહનો પાર્ક કરતા હોય માથકૂટ સર્જાતી રહે છે. અગાઉ બીજેપી કાર્યકર સચિન ઠક્કરનુ પાર્કિંગના વિવાદને લઈને મર્ડર થઈ ગયું હતું. તેમજ સરદાર ભુવનના ખાંચામાં પાર્કિંગ બાબતે થયેલી બબાલમાં વૃદ્ધ પર હુમલો કરવામાં આવતા તેમનું મોત નિપજ્યું હતું. 9 એપ્રિલે નવાપુરાના માળી મહોલ્લામાં રીક્ષા પાર્ક કરવાને લઇ મારામારી થઇ હતી.આડેધડ પાર્કિંગ અકસ્માતને પણ નોતરું આપી રહ્યું છે.
શહેરનાં દરેક જાહેર માર્ગો ઉપર કોમર્શિયલ એકમો પાસે પાર્કિંગની પૂરતી વ્યવસ્થા હોતી નથી અને નાગરિકોને પણ સામાન્ય કામ માટે રોડ ઉપર વાહન મુકવાની ફરજ પડતા ટ્રાફિકજામ સહિતની સમસ્યાઓ વકરી ચૂકી છે. રોડ ઉપર કે ફૂટપાથ ઉપર પાર્ક કરેલાં નડતરરૂપ વાહનો ટ્રાફિક પોલીસની ટોઇંગવાન ઉપાડીને લઇ જાય છે. જો કે, ઈજારો પૂર્ણ થવાથી આ કાર્યવાહી પાછલા એક વર્ષથી બંધ છે.
વર્ષ 2021 – 84, 933
વર્ષ 2022 – 1,10,688
વર્ષ 2023 – 1,24,984
વર્ષ 2024 – 1,31,669
વર્ષ 2025 – 33,451
શહેર-જિલ્લામાં 18.86 લાખ વાહનો
માલવાહક વાહન -70,182
મોટર વાહન -3,83,454
પેસેન્જર વાહન -13,231
થ્રી વ્હીલર વાહન -68,236
ટુ વ્હીલર વાહન – 13,46,449
અન્ય વાહન -4,387