Rajkot, તા. 13
સૌરાષ્ટ્રભરમાં આજે રાત્રે હોલિકા દહન સાથે હોલી પર્વની ધર્મમય અને પરંપરાગત ઉજવણી થશે. ગીરનાર પર અંબાજી માતાજીના મંદિરે, ચોટીલા ચામુંડા માતાજીના ધામ અને દ્વારકામાં ગોમતી નદીના કાંઠે રાત્રે 7.30 કલાકે સૌ પ્રથમ હોલી દહન બાદ સૌરાષ્ટ્રભરમાં પ્રાગટય કરવામાં આવશે જે માટે સર્વત્ર તૈયારી થઇ ગઇ છે તો આવતીકાલે સૌરાષ્ટ્રભરમાં આબાલ વૃધ્ધો રંગભર્યા ધુળેટી પર્વની ઉજવણી કરવા થનગની રહ્યા છે.
શુક્રવારે હવેલી, મંદિરો સહિતના ધાર્મિક સ્થળોએ ફુલડોલ, પૂજા, અબીલ ગુલાલની છોળો ઉડવા સાથે રંગોની પર્વોની ઉજવણી થવાની છે. દ્વારકામાં પણ મંદિરે ભવ્ય ઉત્સવની તૈયારી થઇ ગઇ છે. રાજકોટમાં 400થી વધુ સ્થળે પરંપરાગત હોળી પ્રગટાવવામાં આવશે તો ગોંડલમાં 73 વર્ષ જુની દેવપરા ગ્રુપની હોળીમાં 25,000 છાણાનો ઉપયોગ કરવામાં આવશે.
જુનાગઢ
આદી અનાદીકાળથી ફાગણ સુદ પૂનમના હોલીકા દહન રામાવતાર પહેલાથી ઉજવાય છે. પ્રહલાદને ગોદમાંહ લઈ હીરણ્યાકશીપુની બહેન હોલીકાએ પ્રહલાદને મારવા માટે અગ્નીમાં બેસીને ભસ્મ કરવા જતા હોલીકા જાતે જ બળીને ખાખ થઈ ગઈ હતી. જે પરંપરા આજે પણ ઉજવી હોલીકાને યાદ કરવામાં આવે છે.
આજે સાંજે 7-30 કલાકે ગીરનાર પર્વત ઉપર મા જગદંબા અંબાજી માતાજીના મંદિરે પ્રથમ હોલી પ્રાગટય બાદ જુનાગઢ શહેર વિવિધ 250 જગ્યાએ હોળી દહન કરવામાં આવશે. તેમજ શહેર ગલી મહોલ્લા નાકે નાકે તેમજ ગામડે ગામડે હોલીકા પ્રાગટય કરવામાં આવશે. નાળીયેર, કાષ્ટ છાણા સહિતના પદાર્થોથી હોળી ગોઠવીને બાદ દહન કરવામાં આવશે. દાતાર પર્વત ઉપર છાણાની હોળી પ્રગટાવવામાં આવશે.
જુનાગઢ છાયાબજારમાં યુવાનો વાલમ બાપાની નનામી (ઠાઠડી) કાઢી વ્યસન મુકિતનો સંદેશો વર્ષોથી આપે છે. વાલમ બાપા બીડી પીતા પીતા મરી ગયો તેમ ડાઘુઓ સંદેશ આપે છે. ઠાઠડી વાંસની બનાવી ઘાંસનું બનાવેલ પુતળુ લાલ કપડુ ઓઢાડી રહતા રડતા ડાઘુઓ હાથમાં દોણી લઈને સ્મશાન સુધી જાય છે.
આ દરમ્યાન કાંકરીચાળો તોફાન ન થાય તે માટે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. રાત્રીના ગીત સંગીત વિવિધ રમતો ગામડાઓમાં રમાતી જોવા મળે છે આમ હોળી પર્વ પુરા હર્ષ ઉલ્લાસ સાથે ઉજવવામાં આવશે. આવતીકાલે પડવો પાડી અબીલ ગુલાલ ફુલતી ધુળેટી રમી આનંદ માણશે.
ભાવનગર
આજે તા.13 માર્ચને ગુરૂવારે ગોહિલવાડમાં ઠેર-ઠેર અસત્ય પર સત્યના વિજયના પ્રતિક સમાન હોળીના મહા લોકપર્વની પરંપરાગત રીતે હર્ષોલ્લાસભેર ઉજવણી કરાશે. આ અવસરે ભાવનગર શહેરમાં વિવિધ 170 થી વધુ સ્થળોએ કર્ણપ્રિય કિર્તનોની રમઝટ સાથે શુભ મુર્હૂતે હોલીકા પ્રાગટય કરાશે.
ભાવનગર શહેર અને જિલ્લામાં બુધવારે અનેક સ્થળોએ પરંપરાગત રીતે કમળા હોળી પ્રગટાવાઈ હતી હવે આવતીકાલે તા.13 ને ગુરૂવારે મોડી સાંજે શુભ મુર્હૂતે મોટી હોળી પ્રગટાવવામાં આવશે.અને મોડી રાત્રી સુધી હોળીના દર્શનાર્થે લોકો ઉમટી પડશે.આજની તારીખે પણ હોલીકાની પ્રદક્ષિણાનું અનન્ય મહાત્મ્ય હોય હોલીકા પ્રાગટય બાદ સ્થાનિક રહીશો ખાસ કરીને નવપરિણીત દંપતિઓ શ્રીફળ,ધાણી, દાળીયા, ખજુર સાથે જળની ધારાવડી કરવા માટે ઉમટી પડશે.
ગ્રામ્ય વિસ્તારોમાં હોલીકા પ્રાગટય બાદ બહેનો દ્વારા કર્ણપ્રિય કિર્તન સાથે રાસની રમઝટ બોલાવાશે. હોળાષ્ટકની સમાપ્તી થતાની સાથે જ ગોહિલવાડમાં ફરી વખત માંગલિક કાર્યોનો ધમધમાટ શરૂ થશે.શહેરના આતાભાઈ ચોક મિત્રમંડળ તેમજ કેસરી મિત્રમંડળ દ્વારા 1975ના વર્ષથી હોલિકાદહન યોજાઈ રહેલ છે. જેમાં ગાયના છાણા, શુધ્ધ ઘી, વિવિધ પ્રકારની હવન સામગ્રીઓ તથા ગુગળથી વાતાવરણ શુધ્ધ બનાવાશે.
આ સાથે વિવિધ પ્રકારના ધાનનો ઉપયોગ કરાશે. આ ઉપરાંત તખ્તેશ્વર, પાનવાડી, ઘોઘાસર્કલ, કણબીવાડ, કરચલીયા પરા,કાળીયાબીડ સહિતના અનેક સ્થળોએ પણ હોળીકા પ્રાગટય કરાશે.