Vadodara,તા.12
વડોદરા શહેરના રીંગરોડ પર આવેલા એલ.એન્ડ.ટી નોલેજ સિટી નજીકથી આજે સવારે એક કાર પસાર થતી હતી. કારને ટ્રકે ટક્કર મારતા આગળ જતા બાઈક સાથે અથડાઈ હતી. બાદ પલટી ગઈ હતી. કારમાં વિદેશી દારૂ ભરેલો હોવાથી તે રોડ પર રેલાતા લોકોએ તેની લૂંટ ચલાવી હતી. ચાલક બેહોશ હોવાથી સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
અકસ્માતના બનાવની મળતી માહિતી અનુસાર શહેરના એલ.એન્ડ.ટી નોલેજ સિટી પાસે રોડ પરથી પોતાની કારમાં પસાર થતા 30 વર્ષના અજાણ્યા યુવકને ટ્રકે ટક્કર મારી દેતા કાર આગળ જતા બાઈકમાં પણ અથડાઈ હતી. આમ ત્રીપલ અકસ્માતમાં કાર ચાલકને ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત સર્જનાર ટ્રક ચાલક નાસી ગયો હતો. અકસ્માત બાદ કારમાં ભરેલો દારૂ રોડ પર ફેલાયો હતો. લોકોએ દારૂની લૂંટ કરી હતી.
કપુરાઈ પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચી બેહોશ બનેલા કાર ચાલકને સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડ્યો હતો. હજુ આ બનાવની પૂછપરછ અને તપાસ ચાલી રહી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.