Botad માં યુવાનની હત્યાના કેસમાં ત્રણ શખ્સને આજીવન કેદની સજા

Share:
Botad,તા.07
બોટાદ શહેરમાં સાડા છ વર્ષ પૂર્વે બે ભાઈ ઉપર છરી, ધોકા-પાઈપ જેવા પ્રાણઘાતક હથિયારોના ઘા ઝીંકી એક યુવાનની સરાજાહેર હત્યા કર્યાની ચકચારી ઘટનામાં બોટાદ કોર્ટે દાખલારૂપ ચુકાદો આપી ત્રણ શખ્સને આજીવન કેદની સજા અને રોકડ રકમનો દંડ ફટકારવામાં આવ્યો છે.પ્રાપ્ત માહિતી મુજબ બોટાદ શહેરના હરણફુલ વિસ્તારમાં રહેતા ઈરફાનભાઈ ફરીદભાઈ વડદરિયાના ભાઈ ઈમરાનભાઈ ઉર્ફે ટાંક ફરીદભાઈ વડદરિયાના પત્નીને પીમ પીમ ઉર્ફે પરવેઝ ઈલિયાસભાઈ ભાસ નામનો શખ્સ ભગાડીને લઈ ગયો હતો. દરમિયાનમાં ગત તા.૨૨-૭-૨૦૧૮ના રોજ મોડી સાંજના આશરે પોણા આઠેક વાગ્યાના સુમારે ઈરફાનભાઈ વડદરિયાએ પોતાના ઘરેથી ઈરફાનભાઈ માંકડના ઘરે દૂધ લઈને પાછતા આવતા હતા. ત્યારે દૂધના પૈસા આપવાનું ભૂલી ગયા હોય, દૂધ લઈને પાછા આવતી વેળાએ મહંમદી એપાર્ટમેન્ટમાં રહેતો પીમ પીમ ઉર્ફે પરવેઝ ભાસ નામનો શખ્સ તેના એપાર્ટમેન્ટની નીચે ઉભો હતો. જેથી શખ્સ ઝઘડો ન કરે તે માટે ઈરફાનભાઈ તેમના ભાઈ ઈમરાનભાઈ ઉર્ફે ટાંક વડદરિયાને લઈને દૂધના પૈસા આપવા પાછા જઈ રહ્યા હતા.
આ સમયે બન્ને ભાઈ નવનાળા પાસે અકબરભાઈના ગલ્લા નજીક પહોંચતા પીમ પીમ ઉર્ફે પરવેઝ નામના શખ્સે અચાનક દોડી આવી ઈમરાનભાઈ ઉર્ફે ટાંકને છરીના આડેધડ ઘા ઝીંકી દીધા હતા. જેથી ભાઈને બચાવવા ઈરફાનભાઈ વચ્ચે પડતા ઝાવેદ ઈલ્યાસભાઈ ભાસ અને અનિશ ઈલ્યાસભાઈ ભાસ નામના શખ્સોએ ધસી આવી બન્ને ભાઈને લોખંડના પાઈપ અને લાકડાના ધોકા મારી ગંભીર ઈજા પહોંચાડતા ઈમરાનભાઈ ઉર્ફે ટાંક ફરિદભાઈ વડદરિયાનું મૃત્યુ થયું હતું.
આ ચકચારી હત્યાના કેસમાં ઈરફાનભાઈ વડદરિયાએ સ્થાનિક બોટાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી ૩૦૨, ૩૦૭, ૩૨૩, ૧૧૪, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧૦૯, ૧૨૦ (બી) અને જીપીએ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરી ત્રણેય હત્યારાને ઝડપી લઈ આગળની તપાસ હાથ ધરી હતી. જેમાં અન્ય ત્રણ આરોપીની પણ મદદગારી ખુલી હતી. તપાસના અંતે પોલીસે બોટાદ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરતા આ અંગેનો કેસ બોટાદના ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ એચ.આર. રાવલની કોર્ટમાં ચાલી જતાં જિલ્લા સરકારી વકીલ કે.એમ. મકવાણાની ધારદાર દલીલો, સરકાર પક્ષે રજૂ કરવામાં આવેલા ૬૬ દસ્તાવેજી અને ૩૫ મૌખિક પુરાવાને ધ્યાને લઈ આરોપીઓની ભૂમિકા અંગેનો કેસ સાબિત થતાં વિદ્વાન ન્યાયમૂર્તિ એચ.આર. રાવલે આરોપી પરવેઝ ઉર્ફે પીમ પીમ ઈલિયાસભાઈ ભાસ, ઝાવેદ ઈલિયાસભાઈ ભાસ અને અનિશભાઈ ઈલિયાસભાઈ ભાસને ક્રિમિનલ પ્રેસીજર કોડની કલમ ૨૩૫ (ર) અન્વયે આઈપીસી ૩૦૨ સાથે વાંચતા કલમ ૧૧૪ મુજબના ગુના માટે ત્રણેય આરોપીને આજીવન કેદની સજા અને પ્રત્યેકને રૂા.૧૦,૦૦૦નો દંડ ફરમાવ્યો હતો. તેમજ આઈપીસી ૩૨૩ સાથે વાંચતા કલમ ૧૧૪ મુજબના ગુના માટે પ્રત્યેક આરોપીઓને એક વર્ષની સાદી કેદ અને પ્રત્યેક આરોપીઓને રૂા.૩,૦૦૦નો દંડ ફરમાવ્યો હતો. સમાજમાં દાખલો બેસે તેવી કોર્ટે કઠોર સજા ફટકારતા અપરાધી માનસ ધરાવતા તત્ત્વોમાં ફફડાટ ફેલાયો છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *