Surendranagar,તા.07
ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર હરિપર બ્રીજ પાસે મોડી રાત્રે બંધ ટ્રક પાછળ ઈકો કાર ઘુસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર ૭ વ્યક્તિઓ પૈકી ૩ વ્યક્તિના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા જ્યારે અન્ય વ્યક્તિઓને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. લગ્ન પ્રસંગ પતાવીને ઘર તરફ જઈ રહેલા ધ્રાંગધ્રાના પરિવારને માર્ગમાં અકસ્માત સજાતા પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. અકસ્માત બાદ પોલીસે ફરિયાદ દાખલ લઈને તપાસ શરૂ કરી છે.
ધ્રાંગધ્રા ખાતે રહેતો પરિવાર અમદાવાદ લગ્ન પ્રસંગમાં ગયા હતા અને લગ્ન પ્રસંગ પૂર્ણ કરી ઈકો કારમાં રાત્રીના સમયે પરત ધ્રાંગધ્રા તરફ આવી રહ્યાં હતાં તે દરમ્યાન ધ્રાંગધ્રા અમદાવાદ હાઈવે પર હરિપર બ્રીજ પાસે બંધ ટ્રક પાછળ કાર ઘુસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર ૭ વ્યક્તિઓ પૈકી એક મહિલા અને બે પુરૂષ સહિત ત્રણ વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. અકસ્માતમાં કારનું પડીકું વળી જતાં તમામ ત્રણ મૃતદેહોને કારના પતરા ચીરી ભારે જહેમત બાદ બહાર કાઢી પીએમ અર્થે મોકલવાની તજવીજ હાથધરવામાં આવી હતી. જ્યારે અન્ય ચાર વ્યક્તિને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ૧૦૮ મારફતે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.
આ અકસ્માતમાં બનાવને પગલે હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા તેમજ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથધરી હતી. પ્રાથમિક તપાસમાં રાત્રીના સમયે કારચાલકને રસ્તા પર બંધ ટ્રક નહીંં દેખાતા ટ્રક પાછળ કાર ઘુસાડી દીધી હોવાનું સામે આવ્યું છે જે મામલે ધ્રાંગધ્રા તાલુકા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતને પગલે મૃતકના પરિવારજનો સહિત પંથકમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ધ્રાંગધ્રા-અમદાવાદ હાઈવે પર અકસ્માતોના બનાવો દિન-પ્રતિદિન વધી રહ્યાં છે ત્યારે ખાસ કરીને હરિપર બ્રીજ, કલ્પના ચોકડી સહિતના વિસ્તારોમાં અકસ્માતને પગલે અગાઉ પણ અનેક લોકો મોતને ભેટી ચુક્યા છે ત્યારે વધુ એક અકસ્માતમાં પરિવારે ત્રણ સભ્યો ગુમાવવાનો વારો આવ્યો છે.
(૧) | પ્રફુલ્લાબેન ગીરીશભાઈ મારૃ (ઉ.વ.૫૬, મૃતક) |
(૨) | વિશાલભાઈ કમલેશભાઈ મારૃ (ઉ.વ.૨૪, મૃતક) |
(૩) | કિશોરભાઈ મોહનભાઈ ડાભી (ડ્રાઈવર,ઉ.વ.૬૫, મૃતક) |
(૪) | ચેતનાબેન કમલેશભાઈ મારૃ (ઉ.વ.૪૦, ઈજાગ્રસ્ત) |
(૫) | ભાવીનભાઈ ગીરીશભાઈ મારૃ (ઉ.વ.૨૮, ઈજાગ્રસ્ત) |
(૬) | કૌશલભાઈ ભાવીનભાઈ મારૃ (ઉ.વ.૯, ઈજાગ્રસ્ત) |
(૭) | કમલેશભાઈ ખીમજીભાઈ મારૃ (ઉ.વ.૫૫, ઈજાગ્રસ્ત) |
ડ્રાઇવરની બેદરકારીથી ત્રણ વ્યક્તિ મોતને ભેટયા
જ્યારે ગમખ્વાર અકસ્માતમાં ત્રણ વ્યક્તિના મોત મામલે મૃતકના પરિવારજને કારચાલક મૃતક કિશોરભાઈ ડાભી સામે ફરિયાદ નોંધાવી હતી જે મુજબ બંધ ટ્રકની પાછળ સેફટી માટે બેરીકેટ મુક્યા હોવા છતાં કારચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કારને પ્રથમ બેરીકેટ સાથે અને ત્યારબાદ બેરીકેટ ઉડાડી ટ્રકના પાછળના ભાગે અથડાવી અકસ્માત સર્જી પોતાના સહિત કારમાં સવાર બે વ્યક્તિ મળી કુલ ૩ વ્યક્તિના મોત નીપજાવ્યાની ફરિયાદ નોંધાવી હતી.