Bhavnagar,
શહેરના ચિત્રા એસબીઆઈ બેંકમાંથી રૂા.૭૫ લાખની રોકડ લઈને બહાર આવેલાં યાર્ડના વેપારીને આંતરી રોકડ ભરેલાં બેગની દિલઘડક લૂંટ ચલાવી નાસી ગયેલાં ત્રણ રીઢા ગુન્હેગારોને પોલીસે સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ગણતરીના કલાકોમાં ઝડપી ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો હતો.ત્રણેયે વેપારી બેંકમાંથી નાણાં ઉપાડી બહાર આવ્યા ત્યારથી તેનો પીછો કરતા હતા અને રહેણાંકી વિસ્તારમાં આવતાં જ વેપારીને આંતરી છરીની અણીએ લૂંટ ચલાવી હોવાની કબૂલાત આપી હતી. પોલીસે લૂંટારા પાસેથી રોકડા રૂા.૭૪.૫૦ લાખ તથા ગુનામાં વપરાયેલ છરી અને વાહનો સહિતનો મુદ્દામાલ ઝડપી પાડયો હતો.
બનાવની વિગત એવી છ ેકે, ભાવનગર માર્કેટિંગ યાર્ડ બહાર મીના એન્ટરપ્રાઈઝ નામની પેઢી ચલાવતા વેપારી ગુલામ અબ્બાસ યાકુબઅલી યુસુફઅલી રાજાણી અને મહમદઅલી સાદિકઅલી લાખાણી ગત બુધવારે બપોરે એસબીઆઈ બેંકની ચિત્રા શાખામાંથી તેમની પેઢીના કરન્ટ એકાઉન્ટમાંથી રૂા.૭૫ લાખ રોકડા ઉપાડી ઓમ પાર્ટી પ્લોટ પાછળ જીઆઈડીસી તરફ જતા રસ્તે પહોંચ્યા હતા. ત્યારે, રહેણાંકી વિસ્તાર શરૂ થતાં જ બે મોટરસાયકલ પર ત્રણ બુકાનીધારી શખ્સોએ તેમને આતર્યા હતા. અને વેપારીને છરી બતાવી ‘પૈસા આપી દે, નહિ તો છરી મારી દઈશ, તારે જીવવું હોય તો પૈસા આપી દે’ કહી તેમની પાસે રહેલા રૂપિયા ભરેલાં બેગની લૂંટ કરી નાસી છૂટયા હતા.બનાવની જાણ થતાં જ જિલ્લા પોલીસ વડા, એલસીબી, એસઓજી, ડૉગ સ્કવોર્ડ તથા બોરતળાવ સહિતનો મસમોટો પોસી કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. બીજી તરફ, પોલીસે સીસીટીવી કેમેરા ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે લૂંટને અંજામ આપનાર લૂંટારાની શોધખોળ શરૂ કરી હતી. દરમિયાનમાં વેપારી ગુલામ અબ્બાસ યાકુબઅલી યુસુફઅલી રાજાણીએ બોરતળાવ પોલીસ મથકમાં ત્રણ અજાણ્યા ઈસમો વિરૂદ્ધ તેમની પાસે રહેલાં રોકડા રૂા.૭૫ લાખની રોકડ લૂંટી નાસી ગયાની ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદના આધારે પોલીસે લૂંટને અંજામ આપનારા હિતેન ઉર્ફે હિતલો વિજયભાઈ ચૌહાણ (રહે.મસ્તરામબાપા મંદિર પાછળ, ચિત્રા), રાકેશ ભુપતભાઈ બારૈયા (હાલ રહે.સિદસર, મુળ રહે. ખાંટડી, તા.ઘોઘા) અને અલ્પેશ ઉર્ફે ભોદી ખોડાભાઈ મકવાણા (હાલ રહે. સિદસર, મુળ રહે.ભીકડા, તા.ઘોઘા)ને રોકડા રૂા.૭૪.૫૦ લાખ, બે વાહનો, મોબાઈલ સહિત કુલ રૂા.૭૪,૯૭,૦૦૦ના મુદ્દામાલ સાથે ચિત્રા અને સિદસર વિસ્તારમાંથી ઝડપી લીધાં હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં વેપારીએ બેંકમાંથી રૂપિયા ઉપાડયા ત્યારથી જ ત્રણેય લૂંટારાએ તેમનો પીછો કરી અંતે લૂંટને અંજામ આપ્યો હતો. જયારે, ઝડપાયેલાં ત્રણેયનો ઈતિહાસ ગુન્હાહીત હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું. જયારે, ગુનાહીત ઈતિહાસ ધરાવતા ત્રણેય આરોપીઓએ શા માટે લૂંટ કરી, અન્ય કોઈ શખ્સોની પણ સંડોવણી છે કે કેમ? તે તમામ સવાલોના તપાસમાં ખુલશે, તેમ જિલ્લા પોલીસ વડાએ વિગતો આપતાં જણાવ્યું હતું. હાલ પોલીસ ત્રણેય આરોપીઓને આવતીકાલ શુક્રવારે કોર્ટમાં રજૂ કરી સાત દિવસના રિમાન્ડની માંગણી કરશે.તેમ વિગતો આપતાં અંતમાં જણાવ્યું હતું.
શહેરના ચિત્રા વિસ્તારમાં રૂ.૭૫ લાખની ચકચારી લૂંટના બનાવમાં ફરિયાદી જ શંકાના દાયરામાં હોવાની બાબત અંગે જિલ્લા પોલીસવડાએ જણાવ્યું હતું કે, શરૂઆતમાં ફરિયાદીની પુછપરછ કરવામાં આવી તો પોતે બેંકમાંથી નિકળી અલગ-અલગ બે રૂટ તરફ જઈ રહ્યો હોય તેથી બે અલગ-અલગ રૂટ બતાવતા હોવાથી તેમના નિવેદનમાં વિસંગતતા હોવાથી ફરિયાદી શંકાના દાયરામાં હતા. આ ઉપરાંત આટલી મોટી રોકડ રકમ ક્યાંથી આવી તે અંગે પણ બેંકના અધિકારીઓને સાથે રાખીને પોલીસ તપાસ કરશે તેમ તેમણે જણાવ્યું હતું.