સામાન્ય રીતે એક કલાકારની કમર્શિયલ સફળતાને જ તેની સફળતાનો પુરાવો માનવામાં આવે છે
Mumbai, તા.૨૬
બોલિવૂડમાં વળતરમાં અસમાનતાનો મુદ્દો થોડાં થોડાં સમયે સપાટી પર આવતો રહે છે. હવે તાજેતરમાં ભૂમિ પેડનેકરે પોતાના અંગત અનુભવો જાહેર કર્યા છે. હાલ તેની ફિલ્મ ‘મેરે હસબન્ડ કી બિવિ’ ફિલ્મ આવી છે, જેમાં તેણે અર્જુન કપૂર અને રકુલ પ્રીત સિંઘ સાથે કામ કર્યું છે. તાજેતરના ઇન્ટરવ્યુમાં ભૂમિએ કહ્યું કે વળતરમાં ભેદભાવ માત્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જ છે એવું નથી તે દરેક ક્ષેત્રમાં બને છે. ભૂમિએ કહ્યું,“તમે કોઈ મોટી મલ્ટીનેશનલ કંપનીના સીઈઓને પણ જોઈ લો તો, જો તે એક મહિલા હશે તો એનો પગાર ઓછો હશે. જો હું માત્ર સિનેમાની વાત કરું તો તેમાં પણ બિલકુલ મોટો ભેદભાવ જોવા મળે છે.”સામાન્ય રીતે એક કલાકારની કમર્શિયલ સફળતાને જ તેની સફળતાનો પુરાવો માનવામાં આવે છે, જોકે તે દર વખતે ન્યાયી હોતું નથી. “ઘણી વખત આપણે એવું કહીએ છીએ કે, જે કલાકાર વધારે ધંધો લાવે છે…એ બિલકુલ સાચું છે. અહીં સિનિયોરિટીની તો વાત જ નથી થતી. હું એવી જગ્યાએ પણ રહી છું, જ્યાં મેં મારા મેલ કૉ-સ્ટાર જેટલી જ સિદ્ધિઓ હાંસલ કરી હોય તેમ છતાં મને ઓછું વળતર મળ્યું છે.”આ સાથે ભૂમિએ એવું પણ કહ્યું કે ગયા વર્ષે તે એક જાણીતી ફિલ્મના સેટ પર હતી, જ્યાં તેને બધાં જ કલાકારોમાં સૌથી વધુ પેમેન્ટ મળ્યું હતું. આ બાબતને તે પોતાની અંગત સિદ્ધી અને એક યોગ્ય પરિવર્તન પણ ગણે છે. ભૂમિ માને છે કે જે નવા પ્રોડ્યુસર્સ છે તેઓ સમાનતાનું મૂલ્ય સમજીને ઇન્ડસ્ટ્રીમાં પરિવર્તન લાવી શકે છે.