વૈશ્વિક રેડ કાર્પેટ પર ચાલતી ભારતીય સેલિબ્રિટીને જોઇને ગર્વનો અનુભવ થાય. તેમાંય જો આ રેડ કાર્પેટ પર કોઇ મહિલા સેલિબ્રિટી ડગ માંડતી હોય તો ગર્વ બમણો થઇ જાય. અત્યાર સુધી આપણે આંતરરાષ્ટ્રીય લાલ જાજમ પર ચાલતી ભારતીય સેલિબ્રિટીઓને માત્ર ડિઝાઇનર ગાઉનમાં જ સજ્જ થયેલી જોઇ છે. ચાહે તે પ્રિયંકા ચોપરા,ઐશ્વર્યારાય બચ્ચન હોય કે મલ્લિકા શેરાવત. ઓફ શોલ્ડર કે વન સોલ્ડર ગાઉનમાંથી થતું ‘વક્ષદર્શન’ જોઇને એકવાર તો એમ વિચારવું પડે કે રેડ કાર્પેટ પર ચાલી રહેલી સેલિબ્રિટી ખરેખર ભારતીય માનુની છે કે વિદેશી સેલિબ્રિટી. પણ વાસ્તવમાં તે પશ્ચિમી રંગે રંગાયેલી ભારતની સેલિબ્રિટી જ હોય છે.
આપણે જ્યારે આંતરરાષ્ટ્રીય ફલક પર આપણા દેશનું પ્રતિનિધિત્વ કરીએ છીએ ત્યારે આપણો સદીઓથી ચાલ્યો આવતો સેક્સી પોશાક, એટલે કે સાડીને બદલે ગાઉન શા માટે પહેરીએ છીએ? શું સાડી પહેરવાથી આપણે જુનવાણીમાં ખપી જઇશું? શું કોઇ આપણી એમ કહીને મજાક ઉડાવશે કે આપણે દાદી-નાનીના જમાનાનો પહેરવેશ ધારણ કરીને લાલ જાજમ પર ચાલી રહ્યાં છીએ. સાડી પહેરવામાં આપણને શું નડે છે?
આ બધા સવાલો ટચૂકડા પડદે રેડ કાર્પેટ પર ચાલતી ઐશ્વર્યા રાય બચ્ચનને જોનારો સામાન્ય દર્શક નહીં પણ ફેશન ડિઝાઇનર અને રાજકરણી શાઇના એન.સી. પણ પૂછે છે. વાસ્તવમાં વિવિધ સ્ટાઇલમાં સાડી પહેરાવવામાં પારંગત આ ડિઝાઇનર પશ્ચિમી પહેરવેશને બદલે સાડીનો મહિમા કરતાં કહે છે કે આપણી પરંપરાગત છ વારની સાડી જેટલું સેક્સી પરિધાન દુનિયામાં બીજું કોઇ નથી. સાડીનો સૌથી મોટો ફાયદો એ છે કે તે સીવેલી ન હોવાથી આપણે તેને જે સ્ટાઇલમાં ઇચ્છીએ તે સ્ટાઇલમાં પહેરી શકીએ છીએ. તમે તેનો પાલવ ડાબે રાખો, જમણે રાખો, દુપટ્ટાની જેમ ગળે વીંટાળો કે અન્ય કોઇ રીતે પહેરો, તે દરેક રીતે સુંદર-આકર્ષક જ લાગવાની છે. આપણા દેશમાં જ વિવિધ રાજ્યોમાં સાડી પહેરવાની જુદી જુદી સ્ટાઇલ જોવા મળે છે.
સાડીની બીજી ખાસિયત એ છે કે તે સ્થૂળકાળ માનુનીના આડાઅવળાં અંગઉપાંગ સુપેરે ઢાંકી દે છે. જ્યારે એકવડા બાંધાની માનનીનો દેહ તો સાડીમાં એટલો સુંદર લાગે છે કે તેનું વર્ણન કરવા શૃગાંર રસભર્યું કાવ્ય લખવું પડે. સાડીને તમે ક્યારેય ‘ડેટ’માં બાંધી ન શકો, એટલે કે તે ક્યારેય આઉટડેટેડ ન થાય. સાડીને સ્ટાઇલ સ્ટેટમેન્ટ બનાવવા મેદાને પડેલી આ માનુની કહે છે કે આપણા મોટાભાગના ડિઝાઇનરો પણ પશ્ચિમી પોશાક પ્રત્યે જ ધ્યાન કેન્દ્રિત કરે છે. બહુ ઓછા ફેશન ડિઝાઇનરોએ સાડી પ્રત્યે ધ્યાન આપ્યું છે. પરંતુ એક પણ પોશાક સાડીની તોલે નથી આવતો. સાડીમાં મેળવી શકાતી રંગોની વિવિધતા, સંખ્યાબંધ પ્રકારના ફેબ્રિક, અસંખ્ય જાતની પ્રિન્ટ, વિવિધતાસભર વર્ક, સાડી સાથે પહેરવા મળતાં અનેક પેટર્નના બ્લાઉઝ, સાડી સાથે શોભી ઉઠતી પરંપરાગત તેમ જ આધુનિક જ્વેલરી, આ બધું દુનિયાના બીજા કોઇ પોશાક સાથે જોવા મળે છે ખરું?
જો છ વારની સાડીની આટલી બધી ખાસિયતો અને વિશેષતાઓ હોય, તે નારીના સૌંદર્યને બખૂબી પેશ કરી શકતી હોય તો શું આપણે એ દિવસની રાહ જોઇ રહ્યાં છીએ, જ્યારે જેમીમા ખાન કે એલિઝાબેથ હર્લી સાડી પહેરીને લાલ જાજમ પર ચાલશે? સાડીમાં સજ્જ થયેલી વિદેશી સેલિબ્રિટીને જોયા પછી જ આપણું ગુલામ માનસ આપણા પોતીકા પહેરવેશનો મહિમા સમજશે?