આગામી સમયમાં શાળાઓ અને કોલેજોમાં વાર્ષિક પરીક્ષાઓ પૂર્ણ થશે અને ઉનાળુ વેકેશનનો પ્રારંભ થશે. વેકેશન દરમિયાન હવાખાવાના સ્થળોએ પર્યટનમાં જવાનું લોકો પસંદ કરતા હોય છે. એ જ રીતે દેશના વિભિન્ન પ્રાંતમાં આવેલા ધર્મ સ્થાનોના દર્શને લોકો સપરિવાર જતા હોય છે. અયોધ્યામાં ભગવાન શ્રીરામના દર્શનાર્થે અને ઓરિસ્સામાં જગન્નાથપૂરીની યાત્રાએ જવા ભાવનગર અને બોટાદ જિલ્લાના લોકો ઈચ્છુક છે પરંતુ ભાવનગરથી અયોધ્યા અને જગન્નાથપૂરી સહિતના ધર્મસ્થાનોને જોડતી ટ્રેન જ ઉપલબ્ધ નથી. યાત્રાએ જિલ્લામાં અલંગ શીપ રીસાઈક્લીંગ યાર્ડમાં ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓરિસ્સા સહિતના વિવિધ પ્રાંતના શ્રમિકો વિશાળ સંખ્યામાં કામ કરે છે. આ ઉપરાંત, જિલ્લામાં વિવિધ સરકારી સેવાઓમાં, ઉદ્યોગોમાં અને નાના-મોટા સ્વરોજગાર સાથે સંકળાયેલા પરપ્રાંતિય લોકોની સંખ્યા પણ ખૂબ મોટી છે. તેઓ પણ વેકેશન દરમિયાન તેમના વતનમાં જતા હોય છે. પરંતુ ભાવનગરથી પર્યાપ્ત ટ્રેન સેવા જ ઉપલબ્ધ નથી.
ભાવનગર-આસનસોલ ટ્રેન સપ્તાહમાં એક વખત દર મંગળવારે સાંજે પ્રસ્થાન કરે છે. આ ટ્રેનની સપ્તાહમાં માત્ર એક જ ટ્રીપ છે અને તેની સામે મુસાફરોનો ખૂબ ધસારો છે. તે એટલે સુધી કે, રેલવેમાં બે માસ અગાઉ રિઝર્વેશન શરૂ થાય ત્યાં તો ગણતરીની મિનિટોમાં ભાવનગર-આસનસોલ ટ્રેનની ટિકિટો બૂક થઈ જાય છે. પછી વેઈટિંગ આવે છે. હવે જે મુસાફરોને જવાનું જ છે તેઓ વેઈટિંગમાં ટિકિટ મેળવી લેતા હોય છે. રેલવેને પૂરતા નાણાં ચૂકવવા છતાં ટિકિટ કન્ફર્મ નહીં થવાથી ભારે હાડમારી વચ્ચે લાંબા અંતરની મુસાફરી કરવાની ફરજ પડતી હોય છે. આ ટ્રેન ગુજરાત ઉપરાંત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ થઈ ૩૧ હોલ્ટ સાથે ૨૩૧૧ કિમી અંતર કાપી ૪૦ કલાક ૨૫ મિનિટે પશ્ચિમ બંગાળ પહોંચે છે. હવે આ સ્થિતિમાં ભાવનગરથી જુદાજુદા રાજ્યોમાં જનારા યાત્રી કન્ફર્મ ટિકિટ વગર કેવી રીતે મુસાફરી કરે? એ કલ્પના ધૂ્રજાવનારી છે. આથી ભાવનગર-આસનસોલની સપ્તાહમાં ત્રણ ટ્રીપ રેલવે પ્રશાસન કેમ શરૂ કરતું નથી ? ભાવનગરથી અયોધ્યા, જગન્નાથપૂરી, દિલ્હીને જોડતી ટ્રેન કેમ નહીં ? એવો પ્રશ્ન યાત્રીગણમાં ઉઠયો છે.