Chhattisgarh,તા.06
સરકાર દ્વારા મહિલા સશકિતકરણ માટે રાજકીય સહિતના ક્ષેત્રોમાં ભાગીદારી વધારવાના પ્રયાસો કરવામાં આવી જ રહ્યા છે.મહિલાઓના નામ રાખીને તેના પતિ કે પરિવાર દ્વારા વહિવટ થતો હોવાના અનેકવિધ કિસ્સા પ્રકાશમાં આવતા હતા.
ટ્રેન્ડ રોકવા પણ મિશન ઉપાડવામાં આવ્યુ છે. તેવા સમયે પંચાયતમાં ચૂંટાયેલા મહિલા સભ્યોનો વહિવટ તો ઠીક તેમના નામે ‘શપથ’ પણ તેમના પતિદેવોએ લીધાનો સનસનીખેજ કિસ્સો પ્રકાશમાં આવતા સરકાર સ્તબ્ધ બની છે.
છતીસગઢનાં કબીરધામ જીલ્લાનાં પરસ્વાહા પંચાયતનો આ બનાવ છે. પંડારીયા વિધાનસભા મતક્ષેત્રમાં આ પંચાયત આવે છે. વિધાનસભાની આ બેઠક પર ભાજપનાં ભાવના બોહરા ચૂંટાયા હતા.
પરસ્વારા પંચાયતનાં 12 વોર્ડ-બેઠકો છે જેમાં 6માં મહિલા અનામત હોવાથી મહિલા સભ્યો ચૂંટાયા હતા. ગત 3 માર્ચે પંચાયતની પ્રથમ બેઠકમાં સભ્યોને શપથ લેવડાવાયા હતા.ત્યારે મહિલા સભ્યો વતી તેમના પતિએ શપથ લીધા હતા.
સોશ્યલ મિડિયા પર વીડીયો વાયરલ થતા સમગ્ર પ્રકરણમાં ભાંડો ફૂટયો હતો.આઘાતજનક બાબત એ છે કે પંચાયતના મંત્રી દ્વારા જ આ શપથ અપાવાયા હતા. વીડીયો જાહેર થતાં ખળભળાટ સર્જાયો હતો અને તેને પગલે જુદા-જુદા બચાવ શરૂ થયા હતા.
પંચાયત મંત્રીએ એમ કહ્યું કે માત્ર પુરૂષ સભ્યોને જ શપથ લેવડાવાયા હતા.પરંતુ અન્ય એક અધિકારીએ વિરોધાભાસી નિવેદનમાં એમ કહ્યું કે મહિલા સભ્યોને વાંચતા આવડતુ ન હોવાથી આમ કરાયું હતું. આ ઘટના બાદ તપાસનો આદેશ કરાયો છે. કબીરધામ જીલ્લા સીઈઓ અજય ત્રિપાઠીએ કહ્યું કે આ બાબત ઘણી ગંભીર છે અને કાનુની પગલા લેવાશે.