Porbandarતા.૨૪
પોરબંદરની ખાડીથી બંદર અસ્માવતી ઘાટ તથા સમુદ્ર સુધીના વિસ્તારમાં આવેલી ખાડીના પાણીનો રંગ એકાએક ગુલાબી થઇ જતા આશ્ચર્ય સર્જાયું છે. તો બીજી તરફ આ પાણીનો રંગ બદલાતા માછીમારો ચિંતિત છે. પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા પાણી ના નમુના લઇ પરીક્ષણ અર્થે લેબમાં મોકલવામાં આવે તેવી માંગ ઉઠી છે.
પોરબંદરની ખાડીથી લઇ બંદર અને અસ્માવતી ઘાટ સહીત સમુદ્ર વિસ્તારમાં આવેલ ખાડીના પાણીનો રંગ એકાએક ગુલાબી થયો છે જેના કારણે સમગ્ર ખાડી ગુલાબી રંગે રંગાઈ હોય તેવું દ્રશ્ય નજરે ચડે છે. દૂરથી આ દ્રશ્ય બહુ આશ્ચર્યજનક અને સુંદર લાગે છે . પરંતુ ૨ દિવસ પહેલા સુધી સામાન્ય રંગનું પાણી અચાનક ગુલાબી થઈ જતાં માછીમારો માટે ચિંતા ઊભી થઈ છે. તો અંગે સ્થાનિકોનું માનવું છે કે પાણીમાં કેમિકલ છોડવાના કારણે પાણી ગુલાબી થયું હોવાની શક્યતા છે.
પોરબંદરની ખાડીનો રંગ ગુલાબી થઈ જવા અંગે જીપીસીબીના અધિકારી રાજેશ ચૌહાણનું કહેવું છે ’ આ પહેલીવાર નથી કે જ્યારે ખાડીના પાણીનો રંગ બદલાઈને ગુલાબી થયો હોય. દર વર્ષે ઉનાળાની ઋતુમાં આ જોવા મળે છે. ખાડીના પાણીનો રંગ બદલવાનું કારણ ઉનાળાની અસર અને દરિયામાં વધતાં કેમિકલની અસર હોય શકે. પાણીના નમૂનાને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યો છે.”
માછીમારોમાં પાણીનો રંગ બદલાઈ જતા ચિંતાનો માહોલ છે. આગેવાનો એ જણાવ્યું હતું કે ખાડીના પાણીમાં ટેન્કર મારફત કેમિકલ ઠાલવવામાં આવતું હોવાના કારણે પાણીનો રંગ બદલાયો છે જેના લીધે દરિયાઈ પ્રદુષણ વધવાની ભીતિ પણ સેવાઈ રહી છે. આથી જીપીસીબી દ્વારા તાત્કાલિક આ પાણી ના સેમ્પલ લઇ તેનું પરીક્ષણ કરી રીપોર્ટ જાહેર કરવા જોઈએ અને જો કોઈ પ્રદુષણ ના કારણે આવું બન્યું હોય તો જવાબદારો સામે કડક કાર્યવાહી પણ કરવી જોઈએ.
પોરબંદર ખાડીનું પાણી ગુલાબી થવા અંગે માછીમાર અશ્વિન જુંગી જણાવે છે કે પોરબંદરની આસપાસ ચાલતા ઉદ્યોગોના પાણી ટેન્કર અને રિક્ષા મારફતે અંહિયા ઠલવાય છે જેના કારણે આ પરિસ્થિટીનુ નિર્માણ થાય છે. જો કે આ બંધિયાર પાણી નથી. ખાડીમાં આવતી ભરતી સાથે કચરો બહાર નીકળી જવો જોઈએ પણ એમ થતું નથી. આ પાણી ખડી મારફતે સમુદ્રમાં ભલે છે અને અંતે કેમિકલ યુક્ત પાણીના લીધે માછીમારીના વ્યવસાય પર અસર થાય છે.
આ પાણી ગુલાબી થવા અંગે એવું પણ માનવામાં આવી રહયું છે કે જેતપુરના સાડી ઉદ્યોગનું પાણી પોરબંદરના દરિયામાં નાખવાથી આ સ્થિતિ ઊભી થઈ છે. આ બાબતે માછીમારો દ્વારા અનેક રજુઆત અને આવેદન છતા કોઈ જવાબ માછીમારોને મળ્યો નથી. ઉલ્લેખનીય છે અધિકારીને જેતપુરના દૂષિત પાણી પ્રશ્ન પૂછતાં અધિકારી કોઈ જવાબ આપ્યો ન હતો.