ભગવાન શ્રીમદભગવદ ગીતા(૨/૨૮)માં કહે છે કે..
અવ્યક્તાદીનિ ભૂતાનિ વ્યક્તમધ્યાનિ ભારત
અવ્યક્તનિધનાન્યેવ તત્ર કા પરિદેવના
તમામ પ્રાણીઓ જન્મ પૂર્વ અપ્રગટ હતાં અને મર્યા પછી પણ અપ્રગટ થઇ જશે,ફક્ત વચગાળામાં જ પ્રગટ દેખાય છે તો પછી આવી સ્થિતિમાં શોક કરવાની વાત જ શી છે? જોવા-સાંભળવામાં અને સમજવામાં આવવાવાળાં જેટલાં પણ પ્રાણી(શરીરો) છે તે તમામ જન્મતાં અગાઉ અપ્રગટ હતાં એટલે કે દેખાતાં નહોતાં.આ તમામ પ્રાણીઓ મરણ પામ્યા પછી અપ્રગટ થઇ જશે એટલે કે નાશ થઇ જશે.આ બધાં પ્રાણીઓ વચમાં એટલે કે જન્મ પછી અને મૃત્યુ પહેલાં પ્રગટ દેખા દે છે.જે આદિ અને અંતમાં નથી હોતું તે વચમાં પણ હોતું નથી-આ સિદ્ધાંત છે.આ આત્મા પહેલાં પણ હતો અને પછી પણ રહેશે આથી વચમાં પણ રહેશે.શરીરોનો સદા અભાવ છે અને આત્માનો કદી અભાવ નથી એટલા માટે આ બંન્નેના માટે શોક થઇ શકતો નથી.આ સંસારના આદિમાં જે હતું તથા અંતમાં જે રહેશે,જે આનું મૂળ કારણ અને પ્રકાશક છે તે જ પરમાત્મા મધ્યમાં પણ છે.જે ઉત્પત્તિ પહેલાં નહોતું અને પ્રલય પછી પણ રહેશે નહી તેના માટે એવું નિશ્ચિંત માની લેવું કે તે મધ્યમાં નથી,કલ્પનામાત્ર,નામમાત્ર છે.
હવે ભગવાન આત્મતત્વનાં દર્શન-વર્ણન અને શ્રવણની અલૌકિકતા અને દુર્લભતાનું નિરૂપણ કરતાં ગીતા(૨/૨૯)માં કહે છે..
આશ્ચર્યવત્પશ્યતિ કશ્ચિદેનમાશ્ચર્યવદ્વદતિ તથૈવ ચાન્યઃ
આશ્ચર્યવચ્ચૈનમન્યઃ શ્રૃણોતિ શ્રુત્વાપ્યેનં વેદ ન ચૈવ કશ્ચિત્
કોઇ આ આત્માને આશ્ચર્યની જેમ જુવે છે અને તે જ રીતે બીજો કોઇ આનું આશ્ચર્યની જેમ વર્ણન કરે છે તથા બીજો કોઇ આને આશ્ચર્યની જેમ સાંભળે છે અને આને સાંભળીને પણ કોઇ જાણતો નથી એટલે કે આ જાણી શકાય એવો નથી.
જેવી રીતે બીજી વસ્તુઓ જોવા-સાંભળવામાં,વાંચવામાં અને જાણવામાં આવે છે તેવી રીતે આત્માને જાણવાનો હોતો નથી કેમકે આત્મા ઇન્દ્રિય-મન અને બુદ્ધિનો વિષય નથી.પશ્યતિના બે અર્થ થાય છે.નેત્ર વડે જોવું અને પોતાના વડે પોતાને જાણવું.સ્થૂળ-સુક્ષ્મ અને કારણ-ત્રણ શરીરો છે.અન્નજળથી બનેલું સ્થૂળ શરીર છે જે ઇન્દ્રિયોનો વિષય છે.આ સ્થૂળશરીરની અંદર પાંચ જ્ઞાનેન્દ્રિયો,પાંચ કર્મેન્દ્રિયો,પાંચ પ્રાણ,મન અને બુદ્ધિ આ સત્તર તત્વોથી બનેલું સુક્ષ્મ શરીર છે જે ઇન્દ્રિયોનો નહી પણ બુદ્ધિનો વિષય છે તથા જે બુદ્ધિનો પણ વિષય નથી,જેમાં પ્રકૃતિ સ્વભાવ રહે છે તે કારણ શરીર છે.આ ત્રણ શરીરો મારૂં સ્વરૂપ નથી. દેહી જ્યારે પ્રકૃતિને છોડીને પોતાના સ્વરૂપમાં સ્થિત થઇ જાય છે ત્યારે એ પોતે-પોતાનાથી જ પોતે-પોતાને જાણી લે છે.આત્માતત્વ વાણીનો વિષય નથી.જેના દ્વારા વાણી પણ પ્રકાશિત થાય છે તે વાણી તેનું વર્ણન કેવી રીતે કરી શકે? આત્માને અભ્યાસ દ્વારા જાણી શકાય નહી પરંતુ જીજ્ઞાસાપૂર્વક તત્વજ્ઞ અનુભવી મહાપુરૂષો પાસેથી સાંભળીને જાણી શકાય છે.
ભગવાન આગળ(૨/૩૦) કહે છે કે સૌના શરીરોમાં રહેલો આ આત્મા હંમેશાં અવધ્ય(વિનાશી) છે એ કારણે સમસ્ત પ્રાણીઓ માટે શોક કરવો ઉચિત નથી.શરીર વિનાશી જ છે કેમકે તેનો સ્વભાવ જ નાશવાન છે,એ પ્રતિક્ષણે નષ્ટ થઇ રહ્યું છે પરંતુ જે પોતાનું નિત્યસ્વરૂપ છે તેનો ક્યારેય નાશ થતો નથી આ વાસ્તવિકતાને જાણી લેવામાં આવે તો શોક થતો નથી.
આલેખનઃ
વિનોદભાઈ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)