Nagpur.તા.07
ભારતીય જનતા પાર્ટીનો ગઈ કાલે સ્થાપના દિવસ હતો ત્યારે પક્ષના ભૂતપૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ નાગપુરમાં પક્ષના પદાધિકારી અને કાર્યકરોના એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, પાર્ટીએ જાતિઓનું સેલ બનાવ્યું છે, પણ એનો પક્ષને કોઈ ફાયદો નથી થયો.
હું રાષ્ટ્રીય ‘અધ્યક્ષ હતો ત્યારે પાર્ટી સાથે તમામ જાતિને જોડવા માટે મેં અનેક જાતિના સેલ બનાવ્યાં હતાં, પણ આવા સેલથી કોઈ પણ જાતિ પક્ષમાં જોઈ નહોતી.
ઊલટું, જે જાતિના નેતા પાર્ટીમાં આવ્યા તેને તેમની જાતિના લોકો જ પૂછતા નથી. ચૂંટણી આવે છે ત્યારે એક ટિકિટ મેળવવા માટે પચાસ જાતિના લોકો પ્રયાસ કરે છે. જાતિઆધારિત સેલ બનાવવાની મારી ભૂલ આજે ચંદ્રશેખર બાવનકુળે દોહરાવી રહ્યા છે.
હવે મહાનગરપાલિકાઓની ચૂંટણી યોજાશે જ્યારે અમારી જાતિને ટિકિટ આપવાની માગણી લોકો કરશે ત્યારે અત્યારના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેને મારી વાત સમજાશે.
નેતાઓ પોતાના પુત્ર માટે ટિકિટ માગે છે, પણ મેં ક્યારેય આવી માગણી નથી કરી એની કેટલાક લોકો ટીકા કરે છે. પક્ષના નેતાઓએ પોતાના પુત્રની જેમ કાર્યકરોને પણ પ્રેમ કરવો જોઈએ. નેતાઓએ કાર્યકરોને ગુણ-દોષ સાથે સ્વીકારવા જોઈએ.’