Bhavnagarતા.15
ખાદ્યપદાર્થમાં ભેળસેળ અટકાવવા માટે ભાવનગર મહાપાલિકાના ફૂડ વિભાગ દ્વારા તબક્કાવાર ખાદ્યપદાર્થના નમૂના લેવામાં આવતા હોય છે અને આ નમૂના તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવતા હોય છે. મનપાના ફૂડ વિભાગે છેલ્લા ત્રણ માસમાં ખાદ્યપદાર્થના આશરે ૪૦ નમૂના લીધા હતા અને આ નમૂનાઓ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતાં. ફૂડ વિભાગની તપાસના પગલે કેટલાક વેપારીઓમાં ગભરાટ ફેલાયો હોવાનુ કહેવાય છે. મહાપાલિકાના ફૂડ વિભાગની તપાસના પગલે ભેળસેળ કરતા વેપારીઓમાં ગભરાટ ફેલાયો હોવાનુ ચર્ચાય રહ્યુ છે. આગામી દિવસોમાં પણ ખાદ્યપદાર્થના નમૂના લેવાની કાર્યવાહી શરૂ રહેશે તેમ ફૂડ વિભાગના સુત્રોએ જણાવેલ છે. ખાદ્યપદાર્થમાં ભેળસેળ કરવાથી લોકોના આરોગ્ય ખરાબ થતા હોય છે ત્યારે ભેળસેળ કરતા વેપારીઓ સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી જાગૃત નાગરીકોમાં ચર્ચા છે.
ભાવનગર મહાપાલિકાના ફૂડ વિભાગે ખાદ્યપદાર્થમાં ભેળસેળ અટકાવવા માટે તપાસ યથાવત રાખી છે. સરકાર તથા કમિશનર ભાવનગર મહાપાલિકાની સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર મહાનગરપાલિકાના ફુડ સેફટી વિભાગ દ્વારા ગત જાન્યુઆરીથી માર્ચ-૨૦૨૫માં ખાદ્યપદાર્થના આશરે ૪૦ નમૂના લીધા હતા, જેમાં આઈસ્કીમ, બદામ શેક, પ્રોટિન પાઉડર, ઘી, દુધ, પનીર, પીપર-ચોકલેટ, મઠો વગેરે નમૂના લીધા હતાં. આ ઉપરાંત ૬૪ સર્વેલન્સ સેમ્પલ લીધા હતા, જેમાં મધ્યાહાન ભોજન, ખજુર, ચીકી, દુધની બળી વગેરે નમૂનાનો સમાવેશ થાય છે. શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલ વેપારીઓમાંથી નમૂના લેવામાં આવ્યા હતાં. આ સેમ્પલ પૃથ્થકરણ માટે સરકારી લેબોરેટરીમાં મોકલી આપવામાં આવેલ હતા, જેમાં મોટાભાગના નમૂના પાસ થઈ ગયા છે, જયારે કેટલાક નમૂના નાપાસ થતા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમ ફૂડ વિભાગના સુત્રોએ જણાવેલ છે.