Srinagar,તા.23
પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં આતંકવાદીઓએ ભારતની ગુપ્તચર એજન્સી ઇન્ટેલિજન્સ બ્યુરો (IB)ના અધિકારી મનીષ રંજનને પણ ગોળી મારી દીધી હતી. આ હુમલામાં તેઓ શહીદ થઈ ગયા. મનીષ રંજન હૈદરાબાદમાં આઈબી ઓફિસમાં સેક્શન ઓફિસર તરીકે કામ કરતા હતા.
તે બિહારના રહેવાસી હતા અને તેમના પરિવાર સાથે જમ્મુ અને કાશ્મીરના પહલગામ ફરવા ગયા હતા. હુમલા સમયે તેમની પત્ની અને બાળકો પણ તેમની સાથે હતા.
આતંકવાદીઓએ આઈબી અધિકારી મનીષ રંજનને તેમની પત્ની અને બે બાળકોની સામે ગોળી મારી દીધી. અચાનક થયેલા હુમલામાંથી મનીષ રંજનને બચવા કે સમજવાનો સમય જ ના મળ્યો.
ઉલ્લેખનીય છે કે, આતંકવાદીઓ સેનાનો ગણવેશ પહેરીને આવ્યા હતા. જેના કારણે પહલગામની બૈસરન ખીણમાં રજાઓ ગાળવા આવેલા લોકોને કોઈ પણ પ્રકારની શંકા જ નહોતી થઈ.
લોકોએ સૈન્ય યુનિફોર્મમાં આવેલા આતંકવાદીઓને સૈન્યના જવાનો સમજી લીધા હતા. એટલા માટે આતંકવાદીઓ આટલા મોટા પાયે લોકોને નિશાન બનાવવામાં સફળ રહ્યા. આ હુમલામાં મનીષ રંજનની પત્ની અને તેમના બંને બાળકો સુરક્ષિત છે.