New Delhi,તા.23
રાહુલ ગાંધી હાલમાં અમેરિકાના પ્રવાસે છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું કે, ’પીડિત પરિવારોને ન્યાય મળવો જોઈએ અને અમારા બધાનું સંપૂર્ણ સમર્થન તેમની સાથે છે.’ તેમણે આ હુમલાની સખત નિંદા કરતા તેને હૃદયદ્રાવક અને કાયરતાપૂર્ણ ગણાવ્યો હતો.
કોંગ્રેસ પાર્ટીએ મંગળવારે સરકારને આ હુમલાની જવાબદારી લેવાની અને સ્થિતિ સામાન્ય હોવાના પોકળ દાવાથી બચવાની માગ કરી છે. પાર્ટીએ રાજકીય પક્ષોને વિશ્વાસમાં લેવા અને ભવિષ્યની રણનીતિ ઘડવા માટે સર્વપક્ષીય બેઠક બોલાવવાની પણ માગ કરી કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ આતંકી હુમલાને વખોડી કાઢયો હતો.
કોંગ્રેસે આ આતંકવાદી હુમલાને માનવતા પર કલંક ગણાવ્યો અને કહ્યું કે, તેની અસરકારક પ્રતિક્રિયા જરૂરી છે. પાર્ટીએ કહ્યું કે, ’સરકારે આ મામલે નક્કર અને નિર્ણાયક પગલાં લેવા જોઈએ જેથી ભવિષ્યમાં આવી બર્બર ઘટનાઓનું પુનરાવર્તન ન થાય.’
રાહુલ ગાંધીએ આ ભયાક હુમલા અંગે કહ્યું કે, ’પ્રવાસીઓની આ રીતે હત્યા અને ઘાયલ થવું એક હૃદયદ્રાવક અને અત્યંત નિંદનીય ઘટના છે. હું શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી કામના કરું છું.’
રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે, ’આખો દેશ આતંકવાદ સામે એકજૂટ છે. મેં સરકારને અપીલ કરી કે તમે પોકળ દાવાઓથી આગળ વધીને ગ્રાઉન્ડ લેવલ પર નક્કર પગલાં ઉઠાવો જેથી ભવિષ્યમાં કોઈ નિર્દોષ ભારતીયને પોતાનો જીવ ન ગુમાવવો પડે.’