Jharkhand, તા. 21
અત્રે કરણી સેનાના ઝારખંડ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વિનયસિંહનો મૃતદેહ હત્યા કરાયેલી હાલતમાં મળી આવ્યો હતો. મૃતદેહો પર કીડીઓ લાગી ચૂકી હતી.
આ ઘટના બાદ વિસ્તારમાં તનાવ છે કરણી સેનાના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યા હતા. જેના કારણે માર્ગો પર વાહન વ્યવહાર ઠપ્પ થઇ ગયો હતો.
રવિવાર રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ઝારખંડ પ્રદેશના પ્રમુખ વિનય સિંહ પર અંધાધૂંધ ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી હતી. જે બાદ સમગ્ર વિસ્તારમાં લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વિનય સિંહની હત્યા બાદ કરણી સેનાના કાર્યકર્તાઓએ ડિમના રોડ તથા નેશનલ હાઇવે 33 પર દેખાવો કરતાં ચક્કાજામની સ્થિતિ સર્જાઇ હતી.
વિનયસિંહ એક કાર્યક્રમ માટે જઈ રહ્યા હતા, તેઓ જેવા જ તેમની ગાડીમાંથી નીચે ઉતર્યા કે અચાનક જ તાબડતોબ ફાયરિંગ કરાઇ અને ઘટનાસ્થળે જ તેમનું મૃત્યુ થયું. પ્રત્યક્ષદર્શીઓનો દાવો છે કે હુમલાખોરો ઘટના બાદ બાઇક લઈને ભાગી ગયા હતા.
કયા કારણે હત્યા કરાઇ તે અંગે હજુ સુધી પોલીસને કોઈ પૂરાવા મળ્યા નથી. પોલીસે જણાવ્યું હતું કે વિનય સિંહનો મૃતદેહ નેશનલ હાઇવેથી 250 મીટર દૂર એક ખેતરમાંથી મળ્યો.
તેમના મૃતદેહ પાસેથી એક પિસ્તોલ અને એક સ્કૂટી તથા મોબાઈલ ફોન મળી આવ્યો છે. પોલીસને સૂચના આપવામાં આવી હતી કે વિનય સિંહ સવારે 11.30 વાગ્યે ઘરેથી નીકળ્યા બાદ તેમનો કોઈ સંપર્ક થઈ શક્યો નહોતો.
વિનય સિંહનો મૃતદેહ મળ્યા બાદ સિનિયર અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને પોસ્ટમોર્ટમની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે હત્યારાઓની ઓળખ કરવાના પ્રયાસ કરી રહી છે.