Bhuj-Rajkot માં સૌથી વધુ 42 ડિગ્રી ઉપર તાપમાન,9 સ્થળે 41 ડિગ્રીને પાર

Share:

Rajkot, તા. 12
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાત હિટવેવની અસર હેઠળ છેલ્લા ત્રણ દિવસથી ઉકળી રહ્યું છે અને ઠેર ઠેર તાપમાનનો પારો 40 થી 42 ડિગ્રી ઉપર પહોંચવા લાગ્યો છે. આથી ઉનાળાનાં આરંભે જ લોકો ગરમીથી ત્રસ્ત બની ગયા છે. જોકે કાલથી ગરમીમાં સામાન્ય રાહત રહેવાની શકયતા હવામાન વિભાગે દર્શાવી છે.

ગઇકાલે જ રાજકોટમાં 42.3 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. જયારે આજરોજ પણ સવારથી તાપમાન ગરમ રહેવા પામ્યુ હતું. દરમ્યાન ગઇકાલે અમદાવાદમાં 41.2, અમરેલીમાં 41.6, વડોદરામાં 41.2, ભુજમાં 42.4, ડિસામાં 41.6, ગાંધીનગરમાં 41.2, કંડલામાં 40.1, નલિયામાં 41.4, પોરબંદરમાં 41 અને સુરતમાં 40 ડિગ્રી મહતમ તાપમાન નોંધાયુ હતું.

તેમજ જામનગરમાં શિયાળાની વિદાય પછી સામાન્ય રીતે હોળી-ધુળેટીના તહેવાર પછી આકરી ગરમી પડે છે. પરંતુ ચાલુ વર્ષે એન્ટી સાયકલોનીક સરકયુલેશન સીસ્ટમના કારણે ઉતર પૂર્વમાંથી ગરમ અને સૂકા પવનના કારણે  હીટવેટના કારણે આકરો તાપ પડી રહ્યો છે.

જામનગરમાં મહતમ તાપમાનનો પારો 38.5 ડિગ્રી પહોંચ્યો હતો.જેથી બપોરના સમયે આકરો તાપ પડતા રાજમાર્ગો સુમસામ જોવા મળે છે.ચાલુ વર્ષે ઉનાળામાં રેકર્ડબ્રેક ગરમીની શકયતા નકારી શકાતી નથી.

આથી છેલ્લાં બે વર્ષના માર્ચ મહિનાની ગરમીનો રેકર્ડ તૂટી ગયો છે. અસહ્ય ગરમીથી શહેરીજનો ત્રસ્ત બન્યા છે. સાંજે પણ હવે વાતાવરણમાં ગરમી અનુભવાઈ રહી છે. જયારે નહીંવત વધારા સાથે લઘુતમ તાપમાન 21 ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 15 ટકા ઘટીને 42 ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ 5.6 કીમી રહી હતી.

તેમજ ગોહિલવાડ પંથકમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. આજે મહત્તમ તાપમાન વધીને 39.7 ડીગ્રીએ પહોચતા ભાવનગર વાસીઓએ અંગ દઝાડતી ગરમીનો અનુભવ કર્યો હતો.

ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન વધીને 39.7 ડિગ્રી નોંધાયું હતું . જ્યારે લઘુતમ તાપમાન 23.8 ડિગ્રી રહેવા પામ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 27% રહ્યું હતું. જ્યારે પવનની ઝડપ 12 કિમી પ્રતિ કલાકની રહી હતી. બપોરે ગરમીને કારણે લોકો અકળાયા હતા.

જયારે અમરેલી, સાવરકુંડલા સહિત જિલ્લાભરમાં છેલ્લા 3 દિવસથી ગરમીમાં જબરદસ્ત વધારો થયો છે. રવિ અને સોમવારે તાપમાનનો પારો 40 ડીગ્રી સુધી પહોંચી ગયો હતો. બપોરનાં સમયે રાજમાર્ગો પર પાંખી અવરજવર જોવા મળી હતી. જનતા જનાર્દનને ગરમીથી બચવા માટે નિષ્ણાંતો ઘ્વારા જરૂરી માર્ગદર્શન આપવાનું પણ શરૂ થયું છે.

પ્રારંભિક ઉનાળાની ગરમી જ આટલી છે તો પ્રખર ઉનાળે શું થશે ? એ વિચાર કરતાં જ ધ્રૂજી જવાય છે. જો કે ઉનાળામાં ગરમ લૂ થી બચવા પ્રચુર માત્રામાં પાણી પીવું હિતકારક. ગરમીમાંથી આવીને તુરંત પાણી ન પીવું તેમજ પાંચ મિનિટ જેવા સમય બાદ ઠંડા પાણીથી હાથ, પગ, મોં ધોવા.

બાકી આ તો સૂર્યનારાયણ છે એના પ્રકોપથી તો ઈશ્વર જ બચાવે એટલે ઉનાળામાં બપોરે ઠંડે છાંયડે બેસીને થોડું હરિ સ્મરણ કરી લેવું મન અને શરીર માટે હિતકારક ગણાય. આવી ગરમીમાં ઝાડા, ઉલ્ટી, કોલેરા, કમળા જેવા દર્દો માથુ ઉંચકે છે. એટલે લોકોએ આરોગ્યલક્ષી કાળજી પણ લેવી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *