New Delhi,તા.29
ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમે ત્રીજી T20 ઈન્ટરનેશનલ મેચમાં ભારતને 26 રને હરાવ્યું છે. રાજકોટમાં રમાયેલી આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 171 રન બનાવ્યા હતા. તેન જવાબમાં ભારતીય ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને માત્ર 146 રન જ બનાવી શકી હતી.
ભારત માટે સ્પિનર વરુણ ચક્રવર્તીએ 5 વિકેટ ઝડપીને બધાનું દિલ જીતી લીધું, પરંતુ ભારતની બેટિંગ યુનિટ આ મેચમાં ફેલ રહી હતી. મેચમાં હાર બાદ પૂર્વ ભારતીય ક્રિકેટર પાર્થિવ પટેલે હાર્દિક પંડ્યા પર નિશાન સાધ્યું છે અને તેણે કોચ ગૌતમ ગંભીરના નિર્ણય પર પણ સવાલો ઉઠાવ્યા છે.
પાર્થિવ પટેલે હાર્દિક પંડ્યાની કરી ટીકા
રાજકોટમાં ઈંગ્લેન્ડ સામે રમાયેલી ત્રીજી T20I મેચમાં ભારતીય ટીમના બેટ્સમેનોનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું હતું. 9મી ઓવરથી 16મી ઓવર સુધીમાં ભારતીય ટીમના બેટ્સમેન માત્ર 40 રન જ બનાવી શક્યા હતા. આ દરમિયાન હાર્દિક પંડ્યાએ મેદાન પર ઘણા બોલ બગાડ્યા હતા, જેના કારણે ટીમ પર પ્રેશરની સાથે જ નેટ રન રેટ પણ વધ્યો. હાર્દિકે 35 બોલમાં 1 ચોગ્ગો અને 2 છગ્ગાની મદદથી 40 રન બનાવ્યા હતા. આવી સ્થિતિમાં તેની ઈનિંગ્સથી નાખુશ પાર્થિવ પટેલે સ્ટાર સ્પોર્ટ્સ પર તેની ટીકા કરી છે.
પાર્થિવ પટેલે કહ્યું કે, T20 ઈન્ટરનેશન મેચમાં કોઈ પણ ખેલાડી સેટ થવા માટે 20-25 બોલ ન લઈ શકે. હું સમજું છું કે તમારે સેટ થવા માટે સમયની જરૂર છે, પરંતુ તમારે તમારી સ્ટ્રાઈક રોટેટ કરવી જોઈએ. હાર્દિકે ભલે 35 બોલમાં 40 રન બનાવ્યા હશે પરંતુ ઈંનિગ્સની શરૂઆતમાં તે ઘણા ડોટ બોલ રમ્યો.
કેવિન પીટરસન કોચ ગૌતમ ગંભીરના નિર્ણયથી નાખુશ
ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન કેવિન પીટરસન ભારતના બેટિંગ ક્રમથી નાખુશ છે. તેણે કોચ ગૌતમ ગંભીરના નિર્ણય પર સવાલ ઉઠાવતા કહ્યું કે, ગંભીરે ધ્રુવ જુરેલને 8 નંબર પર બેટિંગ કરવાને બદલે ઉપર બેટિંગ કરવા મોકલવો જોઈતો હતો. કેવિને કહ્યું,
ભારતીય ટીમે બેટિંગ ક્રમ યોગ્ય ન બનાવ્યો. ધ્રુવ જુરેલ એક અનુભવી બેટ્સમેન છે. ડાબા અને જમણા સંયોજન માટે તેને નીચે ક્રમમાં મૂકવો યોગ્ય ન હતો. હું દ્રઢપણે માનું છું કે તમારા શ્રેષ્ઠ બેટ્સમેનોએ આગળ બેટિંગ કરવી જોઈએ.