Haryana,તા.08
હરિયાણામાં ભાજપની જીત અને કોંગ્રેસની હાર બાદ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ એલર્ટ થઈ ગયા છે. આજે મંગળવારે એક બાજુ કેજરીવાલે હરિયાણા કોંગ્રેસ પર કટાક્ષ કર્યો તો બીજી બાજુ તેમણે તેના નેતાઓને સલાહ પણ આપી હતી. પૂર્વ મુખ્યમંત્રીએ પાર્ટીના નેતાઓને વધુ પડતા આત્મવિશ્વાસથી બચવા અને જનતાની સેવામાં જોડાવા પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે, તેઓ ચૂંટણી સુધી એકજૂટ રહે અને એકબીજામાં લડે નહીં.
ક્યારેય વધુ પડતા આત્મવિશ્વાસ ન રહેવું જોઈએ : કેજરીવાલ
અરવિંદ કેજરીવાલે પાર્ટીના કાઉન્સિલરોને સંબોધન કરતાં કહ્યું કે, “હવે ચૂંટણી આવવાની છે. પહેલી વાત કે, કોઈપણ ચૂંટણીને હળવાશથી ન લેવી. હજુ તો ખબર નથી કે પરિણામો શું છે, પરંતુ આજની ચૂંટણીમાંથી સૌથી મોટો પાઠ શિખવા જેવો એ છે કે, ક્યારેય વધુ પડતા આત્મવિશ્વાસ ન રહેવું જોઈએ. કોઈપણ ચૂંટણીને હળવાશથી લેવી જોઈએ નહીં. દરેક ચૂંટણી મુશ્કેલ હોય છે. દરેક ચૂંટણીમાં દરેક બેઠક જીતવી મુશ્કેલ હોય છે. તેના માટે ભારે મહેનત કરવી પડશે.”
કેજરીવાલે પરસ્પર લડાઈ-ઝગડાથી દૂર રહેવાની સલાહ આપી
અરવિંદ કેજરીવાલે કાઉન્સિલરોને સલાહ આપી કે, તેઓ તેમના ધારાસભ્યો સાથે ન લડે. આ ઉપરાંત કેજરીવાલે પાર્ટીના નેતાઓને ચૂંટણી સુધી પરસ્પર લડાઈ-ઝગડાથી દૂર રહેવાની સલાહ આપતાં કહ્યું કે, ‘તમારા ધારાસભ્યો સાથે લડશો નહીં, લડાઈ- ઝગડા આપણે એપ્રિલમાં કરીશું. આ આપણો જ પરિવાર છે, અને પરિવારમાં નાના મોટા ઝગડા થાય છે, એમાં કંઈ ખોટું નથી. એટલે લડાઈ- ઝગડાં આપણે માર્ચ અને એપ્રિલમાં કરીશું. હાલમાં ચૂંટણી જીતવી એ જ આપણુ લક્ષ્ય હોવું જોઈએ. ફેબ્રુઆરીમાં ચૂંટણી છે. એવું માનવામાં આવે છે કે, તેમનો ઈશારો હરિયાણામાં ભૂપિન્દર સિંહ હુડ્ડા અને કુમારી સેલજા વચ્ચે ચાલી રહેલા ખેંચતાણ પર હતો.