Washington,તા.09
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના ટેરીફ યુદ્ધમાં આગળ વધવા મકકમ છે અને તેઓએ તા.2 એપ્રિલના ‘લીબરેશન ડે’ જાહેર કરીને જે રીતે ભારત સહિતના દેશો પર નવા ટેરીફની જાહેરાત કરી હતી તે હવે આજે મધરાતથી લાગુ થવા જઈ રહ્યા છે.
હજું આ ટેરીફ મુદે વિશ્વના શેરબજારો સહિતના બજારોમાં જે ‘કોહરામ’ જેવી સ્થિતિ બનાવી છે તે વચ્ચે ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, હું શું કરવા જઈ રહ્યો છું તે મને ખબર છે. દુનિયાએ અત્યાર સુધી અમેરિકાનો લાભ ઉઠાવ્યો છે અને હવે દુનિયાનો લાભ ઉઠાવવાનો સમય અમેરિકાનો છે.
તેઓએ નેશનલ રીપબ્લીકન કોંગ્રેસના કમીટીના ડીનરમાં વકતવ્ય આપતા કહ્યું કે, કંપનીઓ અમેરિકામાં પરત આવી રહ્યા છે. હું શું કરવા જઈ રહ્યો છું તે મને ખબર છે અને તેઓને પણ ખબર છે અને તે માટે જ મને મત મળ્યા છે.
શ્રી ટ્રમ્પે શેરબજારના કડાકા, ફુગાવાનો ભય અને અમેરિકામાં વ્યાપાર-ધંધા પર અસરની ચિંતા તેઓ કરતા નથી તેવું સ્પષ્ટ શબ્દોમાં જણાય છે. તેઓએ કહ્યું કે હું વૈશ્વિકરણની વાતો કરનારા દરેક સમયે ખોટા પડે છે.
હું અમેરિકી કામદારોના પ્રમુખ તરીકે ગૌરવ અનુભવુ છું. આઉટસોર્સથી આવનારા નહી પણ જેઓ મેઈન સ્ટ્રીટ પર ઉભા છે. તેઓની ચિંતા કરુ છું. વોલ સ્ટ્રીટની નહી… ટ્રમ્પે ચાઈનાને ટાર્ગેટ કરતા તેના પર 104% જેવા ટેરીફ લાદયા છે અને હવે તેમના ટાર્ગેટમાં ભારતનો ફાર્મા ક્ષેત્ર પણ જેના પર હવે ગમે ત્યારે ટુંક સમયમાંજ ટેરીફની જાહેરાત કરશે.
જેના કારણે ભારતની ફાર્મા કંપનીઓનેમોટો આંચકો લાગી જતા શ્રી ટ્રમ્પે કહ્યું કે, ટેરીફ વોરથી અમેરિકાને ફાયદો થઈ રહ્યો છે. દરરોજ 2 બિલિયન ડોલરની આવક વધી છે. ઉપરાંત અહી જાપાન, દક્ષિણ કોરિયા અને અન્ય દેશો પણ વ્યાપાર કરાર કરવા આવી રહ્યા છે.
ટ્રમ્પે વિશ્વના 185 દેશો પરના ટેરીફથી જે ખળભળાટ મચાવ્યો છે. તેમાં હવે 50થી વધુ દેશોએ અમેરિકાને ઝીરો ટેરીફની ઓફર કરી છે. ભારત પણ હવે શકય તેટલી ઝડપી અમેરિકા સાથે વ્યાપાર કરાર કરી ટેરીફના તાપથી બચવા માટે પ્રયાસ કરી રહ્યું છે.
પ્રમુખ ટ્રમ્પ ટેરીફ મુદે હવે પીછેહઠ કરવા તૈયાર નથી તે નિશ્ચિત થતા તેમના સલાહકારોની ટીમ આ ટેરીફ સામે અમેરિકામાં જે પ્રશ્નો સર્જાયા છે તેના જવાબ આપવા અને દેશમાં વિરોધને શાંત પાડવા પણ એકશનમાં આવી ગયા છે અને જુદી જુદી ટીમો વ્યાપાર-ઉદ્યોગના પ્રતિનિધિઓને મળશે. પ્રમુખ ટ્રમ્પે ખુદ પક્ષના સાંસદોને પણ ટેરીફ વોર મુદે શંકાઓ દુર કરવા માટે પ્રયાસો શરૂ કર્યા છે.