Talala Gir,તા.20
તાલાલા તાલુકાના આંકોલવાડી ગામે ઘરકંકાસથી કંટાળી જઈ એક પરિણીતાએ જીવનનો અંત આણવા કૂવામાં પડતું મુકતા જ એ જ વખતે હાજર રહેલા સસરાએ વહુને બચાવી લેવા કૂવામાં ઝંપલાવી દીધું હતું. જો કે એને તરતાં આવડતું ન હોવાથી વહુને બચાવી શક્યા ન હતા. એ પછી કૂવામાં ફસાઈ ગયેલા વૃદ્ધને પોલીસે બહાર કાઢી બચાવી લીધા છે.આંકોલવાડી પોલીસે આપેલ વિગત પ્રમાણે ડાંગાવાડી વિસ્તારમાં આવેલ ભીખાભાઈ મનજીભાઈ ઠુંમરનાં ખેતરના કુવામાં એક વૃધ્ધ વ્યક્તિ પડી ગયેલ હોવાની જાણ થતાં પો.હેડ કોન્સ્ટેબલ મનોજગીરી તથા જીતેશકુમાર દમણીયા તથા જી.આર.ડી.વજીરભાઈ બ્લોચ સહિત નો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો.પોલીસ સ્ટાફે દોરડું બાંધી કુવામાં પડેલ વૃધ્ધ કાનાભાઈ વિરાભાઈ પરમાર ઉ.વ.૭૦ રે.આંકોલવાડીને હેમખેમ બહાર કાઢયા હતા.
પોલીસે વૃધ્ધ ની પુછપરછ કરતા જણાવ્યું હતું કે તેમના દિકરાની વહું નિતાબેન ધીરૃભાઈ પરમાર( ઉ.વ.૪૦) રે.આંકોલવાડી ઘર કંકાસ ને કારણે કુવામાં પડી ગયા હતા.એ વેળા દિકરાની વહુંને બચાવવા પોતે કુદકો માર્યો હતો પરંતુ પોતાને તરતા આવડતુ ન હોવાથી નિતાબેનને બચાવી શકેલ નહિ હોવાનું જણાવ્યું હતું.પોલીસે જિવિત વૃદ્ધ અનેમૃતક નિતાબેનને પણ કુવામાંથી બહાર કાઢેલ હતાં.પોલીસે વૃધ્ધનું નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે.પોલીસે કરેલી કાર્યવાહીની આ વિસ્તારમાં સરાહના થઈ રહી છે