ફાયર વિભાગના તરવૈયાઓએ બે કલાક સુધી ડેમના ઊંડા પાણીમાં તપાસ કરતાં યુવકનો મૃતદેહ મળ્યો હતો
Surendranagar, તા.૨૨
સુરેન્દ્રનગરના એક યુવકે પોતાની વ્યથાનો અંતિમ વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આપઘાત કરી લીધો હતો. પોતે સારો ભાઈ કે દીકરો ન બની શક્યો હોવાનો વસવસો વીડિયોમાં વ્યક્ત કરીને યુવકે ધોળીધજા ડેમમાં પડતું મૂક્યું હતું. યુવકે આ માટે પરિવારની માફી પણ માંગી હતી. સુરેન્દ્રનગરના હરિપાર્કમાં રહેતા ૩૦ વર્ષીય પ્રફુલ ચાવડાએ સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમમાં પડતું મુકીને આપઘાત કરી લીધો હતો. વીડિયોમાં યુવકે એવી વ્યથા વ્યક્ત કરી હતી કે પોતે સારો દીકરો કે ભાઈ બની શક્યો નથી. પોતે સારો મિત્ર પણ ના બની શક્યો હોવાનું દુઃખ પણ તેણે વ્યક્ત કર્યું હતુંવીડિયોમાં યુવક એવું કહેતો સંભળાય છે કે, આટલાં વર્ષો જોબ ન કરી અને તમને બહુ હેરાન કર્યા , આવું નહોતું કરવું જોઇતું. હું થાકી ગયો છું અંદરથી, બહુ તકલીફમાં છું, મને માફ કરી દેજો પ્લીઝ. ગિરીશભાઇ, રાહુલભાઇ, બનેવી, મમ્મી, બેન મમ્મીને સાચવજે પ્લીઝ. ગિરીશભાઇ રાહુલભાઇ મમ્મીને સાચવજો પ્લીઝ. વીડિયોમાં યુવકે એવી અંતિમ ઈચ્છા વ્યક્ત કરી હતી કે,હું મરી જઉં પછી મારી છેલ્લી વિશ છે કે મારા વિશે પોલીસમાં કાંઇ બહાર ન આવે કે કોઇને જાણ ન કરશો. મને માફ કરી દેજો પ્લીઝ…મને માફ કરી દેજો…પ્લીઝ માફ કરી દેજો. વિડિયો પોસ્ટ કર્યા પછી યુવકે આપઘાત કરી લીધો હતો. ફાયર વિભાગના તરવૈયાઓએ બે કલાક સુધી ડેમના ઊંડા પાણીમાં તપાસ કરતાં યુવકનો મૃતદેહ મળ્યો હતો.