Surendranagar,તા.20
સુરેન્દ્રનગર જિલ્લામાં કાર પર પોલીસ ન હોવા છતાં ખોટી ઓળખ ઉભી કરી પોલીસ લખેલ પ્લેટ સાથે શહેરમાં કારમાં ફરવાનો ક્રેઝ વધી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર અને જોરાવરનગર પોલીસે અલગ-અલગ વિસ્તારોમાંથી ત્રણ મહિનામાં પોલીસ લખેલ પ્લેટ સાથે પસાર થયેલી ત્રણ કારચાલકો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
જોરાવરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રતનપર મેકશન સર્કલ પાસેથી ગત તા.૧૯ નવેમ્બરના રોજ સવારના સમયે એક કાર પર પોલીસ લખેલ પ્લેટ સાથે પસાર થઈ હોવાનું જિલ્લા પોલીસ નેત્રમ કમાન્ડ કંન્ટ્રોલ રૂમ દ્વારા ધ્યાને આવતા આ અંગે જોરાવરનગર પોલીસને કારની તસ્વીર સાથે જાણ કરી હતી. જેના આધારે જોરાવરનગર પોલીસે ઈ-ગુજકોપ એપ્લીકેશનની મદદથી ચેક કરતા કારમાલીક અર્જુનભાઈ લક્ષ્મણભાઈ છૈયા રહે.રાજકોટવાળાની હોવાનું બહાર આવ્યું હતું. આથી તેમનો ટેલીફોનીક સંપર્ક કરતા તેઓએ કબુલાત કરી હતી અને શોખ ખાતર પોલીસ નહિં હોવા છતાં પોલીસની પ્લેટ રાખી હોવાનું જણાવ્યું હતું. આથી તેમના વિરૂધ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. જ્યારે બીજા બનાવમાં પણ મેકસન સર્કલ પાસેથી ગત તા.૨૪ નવેમ્બર ૨૦૨૪ના રોજ પોલીસ લખેલ પ્લેટ સાથે પસાર થયેલ કાર અંગે માલીક ફતેસિંહ રામસિંહ વાઘેલા રહે.રાજકોટવાળા હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસ નહિં હોવા છતાં ખોટી ઓળખ ઉભી કરવા માત્ર શોખ ખાતર પોલીસની પ્લેટ રાખી હોવાનું જણાવ્યું હતું. આથી પોલીસે ગુુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
જ્યારે એ-ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ટી.બી.હોસ્પીટલ પાસેથી ગત તા.૦૫ ડિસેમ્બરના રોજ કારચાલક પોલીસ લખેલ પ્લેટ સાથે પસાર થયો હોવાનું જણાઈ આવ્યું હતું. જે અંગે કારમાલીક ચેતનકુમાર જીવણભાઈ નાંઘા રહે.સુરેન્દ્રનગરવાળા હોવાનું જણાઈ આવ્યું હતું. જેમની કાર સબંધી લઈ ગયા હોવાનું જણાવ્યું હતું. આથી પોલીસે કારચાલક સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.