Surendranagar, તા. 20
સુરેન્દ્રનગર શહેરના જોરાવર નગર દેરાસર ચોક અને નીલકંઠ મહાદેવ મંદિર પાછળ આવેલ બે રહેણાંક મકાનોમાં શનિવારે રાત્રે તસ્કરો ત્રાટકયા હતા. તસ્કરોએ ઘરના દરવાજાના નકુચા અને તાળા તોડી ચોરીને અંજામ આપ્યો હતો. બનાવની જાણ થતા પોલીસ ટીમ દોડી ગઈ હતી. પરંતુ બહારગામ ગયેલા મકાન માલિક આવે ત્યારબાદ ચોરીનો સાચો આંક બહાર આવી શકે તેમ છે.સુરેન્દ્રનગર જિલ્લામાં શિયાળાના સમયે ચોરીની વારદાતો વધી રહી છે.
હજુ થાનના ફુલવાડી વિસ્તારમાં થયેલ ચોરીની ઘટના તાજી જ છે. ત્યારે સુરેન્દ્રનગરના જોરાવરનગરમાં આવેલ બે રહેણાંક મકાનમાં ચોરી થયાનું સામે આવ્યુ છે. મળતી માહિતી મુજબ જોરાવરનગરના દેરાસર ચોકમાં નિવૃત અધિકારી રહે છે. તેઓ મકાન બંધ કરીને બહારગામ ગયા હતા. ત્યારે શનિવારે રાત્રે તેમના ઘરે તસ્કરો ત્રાટકયા હતા. અને દરવાજાના નકુચા સહિત તાળા તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ચોરીને અંજામ આપ્યો હતો.
સવારના સમયે ઘરના દરવાજા ખુલા જતા પડોશીઓએ તેઓને જાણ કરી હતી. આ અંગેની જાણ થતા જોરાવરનગર પોલીસ ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને તપાસ આરંભી હતી. બીજી તરફ શહેરના નીલકંઠ મહાદેવ મંદિર પાછળ આવેલા રહેણાક મકાનમાં પણ ચોરીની વાત સામે આવી છે. મકાન માલિક બહારગામથી આવ્યા બાદ ચોરીનો સાચો આંક સામે આવે અને ત્યારબાદ પોલીસ ફરિયાદ થનાર હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યુ હતુ.