Surat,તા.૨૩
જમ્મુ-કાશ્મીરના પહેલગામના બૈસરનમાં મંગળવારે એક મોટો આતંકવાદી હુમલો થયો હતો. આતંકવાદીઓએ પ્રવાસીઓના એક જૂથને નિશાન બનાવ્યા હતા, જેમાં ૨૮ લોકોના મોત થયાની આશંકા છે. જેમાં સુરતના એક યુવકનું મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. જમ્મી કાશ્મીર ફરવા ગયેલા સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતા યુવકનું મોત નિપજ્યું છે. સુરતથી જમ્મુ કાશ્મીર ફરવા ગયેલા શૈલેષ કલાઠિયાનું પહેલગામ આતંકી હુમલામાં કરુણ મોત નિપજ્યું છે. શૈલેષ કલાઠિયા હાલમાં પરિવાર સાથે મુંબઈમાં રહેતો હતો. જ્યારે ૩ ગુજરાતીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.
મૂળ અમરેલીના શૈલેષ કળથિયા આતંકી હુમલાનો ભોગ બન્યા છે. સુરતમાં રહેતો કળથિયા પરિવાર થોડા સમયથી મુંબઈ રહેતા હતા. શૈલેષભાઈ સુરતથી જમ્મૂ-કાશ્મીર ફરવા ગયા હતા. શૈલેષભાઈના પરિવારજનો સુરક્ષિત છે. એ જ રીતે ભાવનગરના પિતા-પુત્ર આતંકી ઘટનાનો ભોગ બન્યા છે. યતીન પરમાર અને સ્મિત પરમારનું મૃત્યુ થયું છે. ઘટના બાદ ગુમ થયા પિતા-પુત્રના મૃત્યુની પુષ્ટિ થઈ ગઈ છે. જમ્મુ કાશ્મીરમાં યોજાયેલ મોરારીબાપુની કથા સાંભળવા ભાવનગરના ૨૦ લોકો ગયા હતા. જેમાં આ પિતા-પુત્રનું સમાવેશ થાય છે, જેઓ આતંકી હુમલાનો શિકાર બન્યા. અન્ય લોકો સુરક્ષિત હોવાની માહિતી છે.
શૈલેશભાઈ કળથિયાનો જન્મ ૨૩મી એપ્રિલ ૧૯૮૧ના રોજ થયો હતો. જ્યારે કાશ્મીરમાં ઘટના બની અ દિવસે ૨૨મી એપ્રિલ હતી. એટલે કે આજે શૈલેશભાઈનો જન્મદિવસ છે. જન્મદિનના એક દિવસ પહેલા તેમનું મોત થતાં પરિવારમાં પણ શોકની કાલીમા છવાઈ છે. ૨૩મી એપ્રિલના રોજ જન્મદિન હોવાથી સંભવત જન્મદિનની ઉજવણી કરવા માટે જ શૈલેષભાઈ કાશ્મીર ગયા હશે.
નોંધનીય છે કે, દેશ પર પુલવામા અટેક બાદ આ સૌથી મોટો બીજો હુમલો થયો છે. જેમાં કાયર આતંકીઓએ માસુમ પ્રવાસીઓને નિશાન બનાવ્યા છે. ઈજાગ્રસ્તોનો દાવો છે કે આતંકીઓ તેમનો ધર્મ પુછી પુછીને મોતના ઘાટ ઉતાર્યા છે. અમરનાથ યાત્રાની શરૂઆત પહેલા જ થયેલો હુમલો લોકોમાં ડર ઉભો કરવા માટે કરાયો છે.
આતંકી હુમલાની ઘટનાના તુરંત બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શ્રીનગર પહોંચી ગયા છે. તેઓ આજે પહેલગામ પહોંચી રહ્યા છે. તો પ્રધાનમંત્રી મોદી પણ પોતાનો સાઉદીનો પ્રવાસ રદ કરીને પરત આવી ગયા છે. એટલે કે હવે આ કાયરતાપૂર્ણ હુમલાનો બદલો લેવાની તૈયારી ભારત સરકારે કરી લીધી છે. તો બીજી તરફ જમ્મૂમાં વિશ્વ હિંદૂ પરિષદ, ચેમ્બર ઓફ કોમર્સ, હાઈ કોર્ટ બાર એસોસિયેશને બંધનું એલાન આપ્યું.