Surat,તા.04
સુરત પાલિકાની સંકલન બેઠકમાં કતારગામના ધારાસભ્યએ રહેણાંક વિસ્તારમાં ચાલતી ભંગારની દુકાન અને ગોડાઉન લોકો માટે ન્યુસન્સરુપ બની ગયાં છે. સંકલમાં ધારાસભ્યની ફરીયાદ બાદ પણ અધિકારીઓ નોટિસની વાત કરતા હતા. જોકે, ગેરકાયદે ગોડાઉન-દુકાન માટે નોટિસની વાત થતાં ધારાસભ્ય અકળાયા હતા. ત્યાર બાદ કતારગામ ઝોન દ્વારા રહેણાંક વિસ્તારમાં ચાલતી 6 ભંગાર ની દુકાનો સીલ કરી છે. હજી પણ કતારગામ સહિત શહેરના અનેક વિસ્તારોમાં પણ રહેણાંક વિસ્તારમાં ભંગાર ની દુકાનો અને ગોડાઉન સંખ્યાબંધ છે.
ગત શનિવારે મળેલી સંકલન બેઠકમાં કતારગામના ધારાસભ્ય વિનોદ મોરડીયાએ તેમના વિસ્તારમાં લોકો માટે ન્યુસન્સ રૂપ બનતા ભંગારના ગોડાઉન અને દુકાનો તાત્કાલિક બંધ કરાવવા માટેની રજૂઆત કરી હતી. તેઓએ કહ્યું હતું, કતારગામ વિસ્તારમાં ભંગાર ની દુકાનો અથવા તો ભંગારના ગોડાઉન તાત્કાલિક બંધ કરવી જોઈએ. રહેણાંક વિસ્તારમાં ભંગારની દુકાન અને ગોડાઉન છે તેના કારણે સ્થાનિકોને અનેક મુશ્કેલી નડી રહી છે. આ અંગેની જાણ અધિકારીઓને છે તેમ છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. આ ભંગારના ગોડાઉનમાં જે લોકો આવે છે તેઓ કાયમી નથી હોતા પંદર દિવસે બે મહિનાના સમય સુધી અહીં કામ કરે છે કે દુકાન- ગોડાઉન ચલાવે છે. તેઓની કાયમી ઓળખ નથી તેથી કોઈ ગુન્હો થાય તો તેઓને ઓળખ પણ મુશ્કેલ બની શકે છે. આ અંગેની અધિકારીઓને જાણ હોવા છતાં દુકાન અને ગોડાઉન બે રોકટોક ચાલે છે તે બંધ થવા જોઈએ.
આ ફરિયાદ બાદ પણ અધિકારીઓએ નોટિસ બાદ કામગીરીની વાત કરી હતી. અકળાયેલા ધારાસભ્યએ ગેરકાયદે ચાલતી ભંગારની દુકાન કે ગોડાઉન માટે નોટિસ શા માટે લોકોની સમસ્યા છે તેથી બંધ કરો તેવું કહેતાં આજે ઝોનના અધિકારીઓ- કર્મચારીઓએ રહેણાંક વિસ્તારમાં ચાલતી ભંગારની છ દુકાનો સીલ કરી દીધી છે. જોકે, કતારગામ વિસ્તારમાં ભંગાર ની દુકાનો અને ગોડાઉનની સંખ્યા છે તેની સામે સીલીંગની સંખ્યા ન જેવી છે. જોકે, કતારગામ ઝોન દ્વારા આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવશે તેવી વાત કરી છે.