Surat:ગુજરાતમાં હવે રો-રો ફેરીમાં દારૂની હેરાફેરી

Share:

Surat,તા.04

સુરતના હજીરાથી ભાવનગરના ઘોઘા વચ્ચે ચાલતી રો-રો ફેરી મારફતે મોકલાતો દારૂ સ્ટેટ મોનીટરીંગ સેલે એક જ મહિનામાં બીજી વખત ઝડપી લીધો છે. સ્ટેટ મોનીટરીંગ સેલે હજીરા સ્થિત રો-રો ફેરીના પાર્કિંગમાં પાર્ક કરેલા આઇશર ટેમ્પોમાં લેમીનેશન કરી રાખેલા સ્ટીમ બોઈલરનું લેમીનેશન દૂર કરી અંદર તપાસ કરતા તેમાંથી 19.20  લાખ રૂપિયાની દારૂની 19,200 બોટલ મળી હતી. 

36 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે

સ્ટેટ મોનીટરીંગ સેલના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ, પીએસઆઈ વી.સી.જાડેજા અને ટીમે મળેલી બાતમીના આધારે હજીરા સ્થિત રો-રો ફેરીના પાર્કિંગમાં પાર્ક કરેલા આઇશર ટેમ્પોમાં લેમીનેશન કરી રાખેલા સ્ટીમ બોઈલરનું લેમીનેશન દૂર કરી અંદર તપાસ કરી હતી. તેમાંથી 19.20 લાખની દારૂની 19,200 બોટલ મળી આવી હતી. સ્ટેટ મોનીટરીંગ સેલે ટેમ્પો ચાલક હુસેન મહેબૂબ નદાફુ અને ટેમ્પો માલિક હીરાલાલ બાશા નદાફુને ઝડપી ધરપકડ કરી હતી. આ ઉપરાંત સ્ટેટ મોનીટરીંગ સેલે દારૂ, બોઈલર, ટેમ્પો, બે મોબાઈલ ફોન અને રોકડ મળી કુલ 36.09 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ટેમ્પોના ચાલક અને માલિકની ધરપકડ કરી હતી. 

દારૂનો જથ્થો જૂનાગઢ પહોંચાડવાનો હતો

આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે,આ દારૂનો જથ્થો ગીર સોમનાથના વેરાવળ ખાતે એક વ્યક્તિને તેના મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરીને આપવાનો હતો, બાદમાં આ જથ્થો સંભવતઃ જૂનાગઢ પહોંચાડવાનો હતો. આ રીતે દારૂ લઈ જવાની તેમની છઠ્ઠી ટ્રીપ હતી.

ઉલ્લેખનીય છે કે ગત સાતમી જાન્યુઆરીના રોજ સ્ટેટ મોનીટરીંગ સેલે રો-રો ફેરીમાં દમણથી જૂનાગઢ મોકલતો 26.63 લાખ રૂપિયાનો દારૂ ઝડપી પાડી બે વ્યક્તિની ધરપકડ કરી હતી. તેમની પણ તે બીજી ટ્રીપ હતી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *