Surat,તા.08
સુરતની પ્રજાની લાંબા સમયથી સરકારી કોલેજની માંગણી પુરી કરવા માટે સરકારે મોટા ઉપાડે લિંબાયતમાં સરકારી કોલેજની જાહેરાત કરી હતી. જોકે, સરકારે જગ્યાની ફાળવણી કરી ન હોવાથી ભાજપ શાસકોએ સુરતના ભાવિ એવા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના ભોગે લિંબાયત ઈશ્વર નગરના એક કેમ્પસમાં આઠ હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તે શાળામાં કોલેજ માટે એક બે નહી પરંતુ 15 ઓરડા ફાળવી દીધા છે. ત્રણ વર્ષનો સમય થયો છતાં કોલેજ અહી ચાલે છે અને તેના કારણે સમિતિની શાળામાં એક વર્ગ ખંડમાં ત્રણ ત્રણ વર્ગ ભેગા કરીને અભ્યાસ કરાવવો પડી રહ્યો છે.
સુરત પાલિકા સંચાલિત શિક્ષણ સમિતિની શાળાઓમાં સતત વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. હાલમાં 1.90 લાખ વિદ્યાર્થીઓ પાલિકાની શાળામાં અભ્યાસ કરે છે. સમિતિની શાળામાં વિદ્યાર્થીઓ વધી રહ્યાં હોવાથી વર્ગખંડની અછત પડી રહી છે. તો બીજી તરફ ભાજપ શાસકોએ વગર વિચાર્યે મોટા નેતાઓને ખુશ કરવા માટે લિંબાયત ઝોનમાં ઈશ્વરનગર ખાતેની પાલિકાની શાળાના ઓરડા ફાળવી દેવાનો નિર્ણય કર્યો હતો.લિંબાયત ઈશ્વર નગરમાં પાલિકાની શાળામાં ચાર મરાઠી અને બે ગુજરાતી શાળા બે પાળીમાં ચાલે છે અને તેમાં આઠેક હજાર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે તેમ છતાં ભાજપ શાસકોએ એક બે નહીં પરંતુ 14 ઓરડા (વર્ગખંડ) કોમર્સ અને આર્ટસ કોલેજ માટે ફાળવી દીધા છે. છેલ્લા ત્રણ વર્ષથી આ શાળામાં કોલેજ ચાલી રહી છે તેના કારણે આ શાળામાં એક જ વર્ગખંડમાં ત્રણ ત્રણ વર્ગના વિદ્યાર્થીઓને ભેગા કરીને અભ્યાસ કરાવવો પડે છે.