Surat,તા.06
સુરતના પાલ વિસ્તારમાં સ્ટેટ લેવલ કબડ્ડીના ખેલાડીનું રહસ્યમય હાલતામાં મોત થતા ચકચાર મચી છે. 25 વર્ષીય યુવક જીમમાંથી ઘરે પરત ફર્યો અને સોફા પર બેઠા બાદ ઢળી પડ્યો હતો. જ્યારે પરિવારે સાંજે ઘરે આવીને જોયું તો દીકરો મૃત હોવાનું જાણવા મળ્યું હતું. પરિવારે પોતાના દીકરાને ગુમાવતા ઘરમાં શોક છવાયો. પોલીસે ગુનો નોંધીને યુવકના મૃતદેહને પીએમ અર્થે મોકલીને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી.
25 વર્ષીય સ્ટેટ લેવલ ખેલાડીનું રહસ્યમય મોત
સુરતના પાલ વિસ્તારના સિદ્ધિવિનાયક એપાર્ટમેન્ટ ખાતે 25 વર્ષીય સ્ટેટ લેવલ ખેલાડી જય પ્રજાપતિનો મૃતદેહ મળી આવ્યો હતો. જય નિત્યક્રમ મુજબ જીમમાં ગયા પછી ઘરે પરત આવીને સોફા પર બેઠો હતો. જ્યારે પરિવાર સાંજે ઘરે આવે છે તો તેમને જયને સોફા પર શંકાસ્પદ હાલતમાં જોતાની સાથે તરત ડોક્ટર અને 108 બોલાવામાં આવી હતી. ત્યારબાદ એમ્બ્યુલન્સના સ્ટાફે આવીને જોયુ તો જય મૃત હાલતમાં જણાતા પરિવાર હિબકે ચડ્યો હતો.
સમગ્ર ઘટનાને લઈને પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી. જ્યારે યુવકને હાર્ટ એટેક આવ્યો હોવાનું પ્રાથમિક તપાસ જાણવા મળ્યું હતું. પોલીસે યુવકના મૃતદેહને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જો કે, કયા કારણોસર યુવકનું મોત નીપજ્યું તેને લઈને તપાસ શરુ છે.