Dahod,તા.04
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ઢાલસીમળ ગામમાં એક મહિલાને 15 જેટલા લોકોએ અર્ધ નગ્ન કરી આખા ગામમાં ફેરવવામાં આવી હતી. એક પરિણીતા તેના પ્રેમીના ઘરે મળવા ગઈ હતી, જેની જાણ તેના પરિવારના લોકોને થતાં પહેલાતો તેને ઘરમાંથી બહાર કાઢી મુકવામાં આવી, ત્યારબાદ તેને અર્ધનગ્ન હાલતમાં સાંકળથી બાઇક સાથે બાંધી આખા ગામમાં તેનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. જેનો વીડિયો પણ ઉતારવામાં આવ્યો હતો. જે વાઇરલ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે. . વીડિયો વાયરલ થતાં જ પોલીસ દોડતી થઇ હતી અને 15 શખ્સોના ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કરી પોલીસે તપાસ હાથ ધર્યા બાદ આ મામલે 12 લોકોની ધરપકડ કરી લીધી છે. આ મામલે હવે હાઈકોર્ટે સુઓમોટો અરજી લીધી છે. આ ઘટના મુદ્દે રાજ્યના ગૃહ વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તેમજ દાહોદ DSP એક્શન ટેકન રિપોર્ટ હાઈકોર્ટ સામે રજૂ કરશે.
હાઈકોર્ટે લીધું સ્વયં સજ્ઞાન
હાઈકોર્ટ આ બનાવ વિશે સુઓમોટો અરજી લઈ સુનાવણી દરમિયાન નોંધ્યું હતું કે, અમેરિકાના એક એબોર્ઝનિસ્ટ મુજબ પુરૂષોએ સ્ત્રીનો ઉપયોગ જ કર્યો છે. સ્ત્રીને હંમેશા ગુલામ બનાવીને રાખવાની વૃત્તિ સેવી છે, કદી તેને ઉપર નથી આવવા દીધી. દાહોદના સાંજેલીમાં નિઃસહાય મહિલાના અપમાનની નિંદનીય ઘટના બની છે, જેનો વીડિયો દુર્ભાગ્ય રૂપે સોશિયલ મીડિયામાં પણ વાઈરલ થયો હતો. આ ઘટનાથી રાજ્યની મહિલાઓના માનસ પર નકારાત્મક અસર પડી છે.
શું હતી સમગ્ર ઘટના?
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં રહેતી 35 વર્ષની પરિણીતાને ગામમાં રહેતા ગોવિંદ લાલસિંગભાઇ રાઠોડ સાથે પ્રેમ સંબંધ હતો. 28 જાન્યુઆરીના રોજ પરિણીતા તેના પ્રેમી ગોવિંદના ઘરે હાજર હતી. ત્યારે ઢાલસીમળ, સંતરામપુર, ગલાલપુરા અને રુપાખેડા ગામના શખસો ગોવિંદના ઘરમાં ઘૂસી ગયા હતાં અને પરિણીતાને પ્રેમીના ઘરમાંથી બહાર કાઢી તેને ઢોર માર માર્યો હતો. ફક્ત માર મારી હેવાનોએ સંતોષ ન થતા પરિણીતાને અર્ધનગ્ન કરી બાઇક પાછળના કેરિયર પર સાંકળ સાથે બાંધી ઢાલસીમળ ગામે જાહેર રોડ પર ઢસડીને પરિણીતાના સસરાના નવા મકાને લઈ જવામાં આવી હતી, ત્યાંથી પરત તેવી જ હાલતમાં મકાનમાં લાવ્યા હતાં. પરિણીતાને રોડ પર ઢસડતા ટોળા પૈકી બે શખસોએ સમગ્ર ઘટનાનો વીડિયો પોતાના મોબાઇલમાં ઉતાર્યો હતો અને તેને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો.