ઉનાળો ફક્ત વ્યક્તિની તબિયત માટે જ નહીં, તેના વાળ માટે પણ ખરાબ ગણાય છે. આ મોસમમાં થતી ગરમી અને સ્કિન તેમ જ વાળની તકલીફોને લીધે આ સમય વેકેશન ટાઈમ હોવા છતાં જરાય નથી ગમતો. એક રિપોર્ટ પ્રમાણે આ સીઝનમાં વર્ષના બાકીના સમય કરતાં ત્રણથી ચાર ગણા વધુ વાળ ખરે છે.
ઉનાળાના મહિનાઓમાં વાળના ગ્રોથ માટે જે હોર્મોન્સ જવાબદાર છે એમાં વધારો જોવા મળે છે. એના પરિણામે આ સીઝનમાં વાળ ખૂબ ઝડપથી વધે છે. વાળ ખરવાની તકલીફ પણ આ જ સમયે થાય છે. જોકે કેટલાંક અઠવાડિયાઓમાં આ હોર્મોન્સનું રૂટીન રેગ્યુલર પણ થઈ જાય છે. જો કોઈને પહેલેથી વાળ ખરવાની તકલીફ હોય તો ઉનાળામાં એમાં વધારો થાય એમાં કોઈ નવાઈ નથી.હોર્મોન્સ સિવાય ડીહાઈડ્રેશન પણ ઉનાળામાં વાળ ખરવાનું સૌથી મોટું કારણ હોઈ શકે. આપણે વાળ માટે શું ખાઈએ છીએ અને કેટલું પાણી લઈએ છીએ એ એના ન્યુટ્રિશન્સ માટે જરૂરી છે. જો વાળને અંદરથી પૂરતું પાણી ન મળે તો એ ખરી પડે છે.
ઉનાળામાં વાળ ખરતા બચાવવા માટે સૌથી પહેલાં તો માનસિક તાણ ઘટાડો. પુરુષો મોટા ભાગે પ્રદૂષણ અને ધૂળનો ભોગ ઝડપથી બનતા હોય છે. આવામાં હેરસ્ટાઈલમાં જો કોઈ પ્રોબ્લેમ જણાય તો એ ચેન્જ કરો. વિટામિન્સ, પ્રોટીન્સ અને મિનરલ્સથી ભરપૂર ખોરાક લો અને બ્લો ડ્રાયરથી દૂર રહો.
વાળ ખરતા બચાવવા માટેના સરળ રસ્તાઓમાં દવાઓ, સર્જરી અને કોસ્મેટિક ટ્રીટમેન્ટ્સનો પણ સમાવેશ છે.
ઉનાળામાં ખોપડીના ભાગમાં વધુ ખંજવાળ આવે છે તેમ જ હીટને લીધે માથામાં બળતરા પણ થઈ શકે છે. ડ્રાય સ્કૅલ્પની તકલીફથી બચવા માટે સુકા વાળ માટે બનેલું હોય એવું જ શૅમ્પૂ વાપરો. આ માટે કેટોકોનેઝોલ (ઍન્ટિ-યિસ્ટ) શૅમ્પૂ પણ વાપરી શકાય. વાળમાં જેલ લગાવવાનું બંધ કરો અને અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વાર તેલથી મસાજ કરો. હેલ્ધી અને બૅલેન્સ્ડ લાઈફ-સ્ટાઈલ પણ વાળની તકલીફોથી છુટકારો આપી શકે છે.
ખોપરીમાં પણ સનબર્ન થઈ શકે છે. પુરુષોના વાળ નાના હોવાથી તેમના માથાને ગરમી અને તડકાની અસર વધુ થાય છે. આવામાં જો સ્કૅલ્પ પ્રોટેક્ટેડ ન હોય તો તકલીફ વણસે છે. ખોપરી પર નાના નાના પેચ થઈ જાય એવું પણ બની શકે. ખાસ કરીને એવા ભાગમાં જ્યાં વાળ જાડા નથી. વધુમાં વાળ ખરશે અને ટાલિયાપણું પણ આવી શકે છે.
સનબર્નથી બચવા માટે સનસ્ક્રીનવાળા ખાસ શેમ્પૂ વાપરી શકાય. આ માટે હેર એક્સપર્ટની સલાહ લેવી. આ સિવાય વાળમાં અલોવેરા જેલ લગાવવી તેમ જ જે પણ વસ્તુમાં આલ્કોહોલનું પ્રમાણ હોય એ વાપરવાનું ટાળવું.
ઉનાળામાં પસીનો થવાને લીધે વાળમાં ધૂળ અને માટી બેસે છે જેને લીધે વાળ અને સ્કૅલ્પ ચીકણું થઈ જાય છે. એને ટાળવા માટે એવાં શેમ્પૂ વાપરી શકાય જે ખાસ ઑઈલી હેર માટે બન્યાં હોય. વાળને વારંવાર ઓળવાનું પણ બંધ કરો. કારણ કે એમ કરવાથી વાળમાં ચીકાશ પ્રસરશે.
ઉનાળામાં વધુ સમય તડકામાં રહેવાથી વાળનું ટેકસ્ચર બદલાઈ જાય છે જેને લીધે એ ખરાબ દેખાય છે. આનો ઈલાજ એ છે કે વાળને ડીપ કન્ડિશનિંગ કરો અને સ્ક્રબ પણ કરો, જેથી વાળમાં રક્ત પ્રવાહ વધે અને તૈલીય ગ્રંથિઓ સક્રિય થાય તેમ જ વાળની ચમક પાછી મળે.