ફળોના જ્યુસની વાત કરીએ તો શેરડીનો રસ સસ્તામાં સસ્તો મળે છે. બહુ ઓછા લોકો જાણતા હશે કે સોંઘી શેરડીનો રસ સ્વાસ્થ્ય માટે હિતકારી છે. તેના કરતાં ઉત્તમ કોઇ ડ્રિન્ક નથી, પરંતુ શેરડી પીલાતી હોય તે જગ્યા, મશીન, વાસણ અને આસપાસની જગ્યાની સ્વચ્છતા વધુ મહત્વની છે. ઘણી રેસ્ટોરન્ટ તેમજ મોલમાં શેરડીના ઇલેકટ્રીક મશીન હોય છે જે સ્વચ્છ હોય છે.
શેરડીનો રસ ૧૦૦ ટકા કુદરતી પીણું છે. જેમાં કોઇ પણ પ્રકારના કોલેસ્ટ્રોલ હોતા નથી. જોકે તેમાં થોડી ફેટ, ફાઇબર અને પ્રોટીનની માત્રા સમાયેલી હોય છે. ઉપરાંત શેરડીના રસમાં સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયલ અને આર્યન જેવા પોષક તત્વો હોય છે.
ઉનાળામાં શરીરને હાઇડ્રેટ રાખવા ઉપરાંત શેરડીનો રસ કેન્સર સામે રક્ષણ આપે છે. પાચનક્રિયાને વ્યવસ્થિત રાખે છે. કિડીનું કામકાજ વધારે છે, હાડકાને મજબૂત રાખે છે અને રક્તની કમીથી બચાવામાં સહાયક છે.
શેરડીનો રસ સ્વાદિષ્ટ હોવાની સાથેસાથે શરીરને તરત જ ઊર્જા પ્રાપ્ત થાય છે. ગરમીમાં પરસેવો નીકળી જવાથી શરીર ડિહાઇડ્રેટ જલદી થઇ જતું હોય છે, પરિણામે થાક જલદી લાગે છે તેમજ શરીરમાં સ્ફૂર્તિ રહેતી નથી. તેથી શેરડીનો તાજો રસ શરીરમાં નવી ચેતના ભરે છે.
એક સંશોધનના અનુસાર, શેરડીનો રસ વિટામિન, મિનરલ્સ, અને એન્ટી ઓક્સીડન્ટસથી ભરપુર હોય છે. તે લિવરના કાર્યમાં સહાયક છે. શેરડીમાં કુદરતી જ એલ્કલાઇન સમાયેલું હોય છે, જે શરીરમાં ઇલેક્ટોલાઇટ સંતુલન બનાવી રાખવામાં મદદ કરે છે. તેથી જ કમળામાં શેરડીનો રસ પીવાની સલાહ આપવામાં આવતી હોય છે. જોકે શેરડી ચાવી શકનારાઓ શેરડીના નાના-નાના ટુકડાઓ ચાવીને ખાય તો વધુ ફાયદો થાય છે.
સંશોધનોથી જાણવા મળ્યું છ ેકે, શેરડીના રસમાં સમાયેલા પોલીફેનોલ્સ, હાઇ એન્ટી ઓક્સીડન્ટ અને એન્ટી કેન્સર ગુણ સમાયેલા હોય છે. જેથી શેરડીના રસમાં કેન્સર સામે લડવાની ક્ષમતા હોય છે.
પાચનક્રિયા નબળી હોય તો તબીબની સલાહ અનુસાર શેરડીનો રસ પીવો જોઇએ. શેરડીના રસમાં સમાયેલા પોટેશિયમ પેટમાંના પીએચ લેવલને સંતુલિત કરે છે. શેરડીનો રસ પીવાથી વ્યક્તિ હાઇડ્રેટ રહે છે અને નિયમિત મલ ત્યાગમાં મદદ મળે છે. તે પેટના સંક્રમણને રોકવામાં પણ મદદ કરે છે.