Jamnagar,તા.07
જામનગરના સુભાષ બ્રિજ ઉપરથી આજે સવારે 9.00 વાગ્યાના અરસામાં પદયાત્રા કરીને દ્વારકા તરફ જઈ રહેલા પદયાત્રી સંઘ ઉપર નીચેથી એકાએક પથ્થર મારો થયો હતો, જેમાં બે પદયાત્રીઓને પથ્થર વાગતાં સામાન્ય ઇજા થઈ હતી, જ્યારે એક સાયકલ સવારને પણ પથ્થર વાગ્યો હતો. જોકે બુમાબુમ થવાના કારણે પૂલની નીચેથી કેટલાક શખ્સો ત્યાંથી ભાગી છુટ્યા હતા.
હિંદુ સેનાના કાર્યકરોએ દોડી જઈ પદયાત્રીઓની મદદ કરી હતી, ઉપરાંત પોલીસ તંત્રને જાણ કરતાં સીટી બી. ડિવિઝનનો પોલીસ કાફ્લો બનાવ સ્થળે તેમજ સુભાષ બ્રિજના આસપાસના વિસ્તારમાં પહોંચી ગયો છે, અને આ અધમ કૃત્ય કરનારની શોધખોળ શરૂ કરી છે. જેમાં એલસીબીની ટુકડી પણ જોડાઈ છે.
દ્વારકાના દર્શને જતા પદયાત્રીઓ આજે સવારે 9.00 વાગ્યે જામનગરના સુભાષ બ્રિજ ઉપરથી પસાર થતા હતા, ત્યારે સવારના નવેક વાગ્યે નીચેથી પથ્થરોના ઘા થયેલા હતા. જેમાં પદયાત્રીઓને પથ્થર લાગતાં બૂમાબૂમ કરી હતી, અને ઉપરથી અવાજ થતાં પૂલ નીચેથી 15 થી 20 વર્ષના 5 થી 7 શખ્સો દોડતા દેખાયા હતા. જેની જાણ હિંદુ સેનાના યુવા પાંખના ઉપપ્રમુખ સાગર ચૌહાણને થતાં તેઓએ ઘટના સ્થળે પહોંચી જઈ ત્યાંથી ફોટાઓ તેમજ વિગતો મેળવી હતી. હાલ આવા પદયાત્રા ઉપર જતા શ્રદ્ધાળુઓ પર પથ્થરમારો કરનારને તત્કાલ પકડી પાડવા તેમજ આવા પુલ કે રસ્તા નજીકના સ્થળો પાસે પોલિસ બંદોબસ્ત ગોઠવવાની હિન્દુ સેનાએ પોલીસ પ્રશાસન પાસે માગણી કરી છે.
આ ગંભીરતાને લઈને હિન્દુ સેના દ્વારા જામનગર શહેર વિભાગના ડીવાયએસપી જે.એન. ઝાલા, તેમજ સીટી બી.ડિવિઝનના પી.આઈ. પી.પી.ઝા ને વિગતવાર વર્ણન કરી ટેલિફોનિક જાણ કરી હતી. તેમજ પદયાત્રા કરીને ફરિ દ્વારકા તરફ પ્રયાણ કરનારા બે પદયાત્રીઓના મોબાઈલ નંબર મેળવીને પોલીસ તંત્રને આપ્યા હતા.આ બનાવ બાદ પોલીસ તંત્રએ પણ ખૂબ જ ગંભીરતા દાખવી હતી, અને પોલીસ તંત્ર દોડતું થયું છે. સૌપ્રથમ ડીવાયએસપીની સૂચનાથી સિટી બી. ડિવિઝનનો પોલીસ કાફલો તાત્કાલિક અસરથી સુભાષ બ્રિજ ઉપર તેમજ સુભાષ બ્રિઝ નીચેના ભાગમાં દોડી ગયો છે, અને પથ્થરમારાનું અધમકૃત્ય કરનાર પથ્થબાજોને શોધી કાઢવા માટે તપાસ શરૂ કરી છે. જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુને સમગ્ર બનાવવાની જાણ થવાથી તેઓએ એલસીબીની ટીમને પણ કામે લગાડી હતી. જેથી એલસીબીની ટુકડી પણ આ બનાવ બાદ સક્રિય બની છે, અને બનાવના સ્થળે પહોંચી ગઈ છે. પૂલના નીચેના ભાગમાં ગેરેજ સહિતના ધંધાના સ્થળો આવેલા છે જ્યાં સીસીટીવી કેમેરાઓ પણ લાગેલા છે. જે તમામ કેમેરાઓને ચકાસવાની અને પથ્થરમારો કરનારા શખ્સોને શોધી કાઢવા માટેની પોલીસ તંત્ર દ્વારા કવાયત હાથ ધરી લેવામાં આવી છે.