Mumbai,તા.25
ભારતીય શેરબજાર પોઝિટીવ નોટ સાથે ખૂલ્યા બાદ વધી તૂટ્યા છે. સેન્સેક્સમાં 1100થી વધુ પોઈન્ટનો કડાકો નોંધાયો છે. નિફ્ટીએ પણ 350થી પોઈન્ટના કડાકા સાથે 24000નું લેવલ ગુમાવ્યું છે. માર્કેટમાં મોટા કડાકાના કારણે રોકાણકારોની મૂડીમાં આજે રૂ. 10.72 લાખ કરોડનું ધોવાણ થયું છે.
શેરબજારમાં સાર્વત્રિક મંદીના માહોલ વચ્ચે આજે સ્મોલકેપ અને મીડકેપમાં મોટો કડાકો જોવા મળ્યો છે. સ્મોલકેપ 1765 પોઈન્ટ અને મીડકેપ 1424 પોઈન્ટના કડાકા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. બેન્કિંગ, રિયાલ્ટી, પાવર, ઓઈલ-ગેસ, ટેલિકોમ શેર્સમાં પણ મોટાપાયે વેચવાલી નોંધાતા ઈન્ડેક્સ 2 ટકાથી વધુ તૂટ્યો છે.વૈશ્વિક સ્તરે સકારાત્મક પરિબળો તેમજ ભારત-અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વેપાર કરાર થવાની સંભાવનાઓ વચ્ચે વિદેશી રોકાણકારોએ છેલ્લા સાત દિવસથી ભારતીય મૂડી બજારમાં રોકાણ વધાર્યું છે. છેલ્લા સાત દિવસમાં FIIએ રૂ. 29513 કરોડની ખરીદી નોંધાવી છે. વૈશ્વિક શેરબજારોમાં પણ સુધારોનો માહોલ જોવા મળ્યો છે. સ્થાનિક સ્તરે પણ જીડીપી અને ફુગાવો કાબૂના રહેવાના અહેવાલો છે.
પહલગામ આતંકી હુમલા બાદ સૌની નજર ભારત સરકાર અને તેની કાર્યવાહી પર છે. જેના પગલે રોકાણકારોએ પણ હાલ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી છે. બીએસઈ ખાતે આજે કુલ ટ્રેડેડ 3877 શેર પૈકી માત્ર 464 શેર નજીવા સુધારા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. જ્યારે 3282 શેર કડડભૂસ થયા છે. 329 શેરમાં લોઅર સર્કિટ વાગી છે.
એપ્રિલ મહિનાની F&O એક્સપાયરીની પહેલાં માર્કેટમાં સેટલમેન્ટની અસર પણ જોવા મળી છે. નિફ્ટી મંથલી એક્સપાયરી 28 એપ્રિલ, 2025 છે. તે પહેલાં રોકાણકારો સેટલમેન્ટ કરી રહ્યા છે. વર્તમાન સ્થાનિક પરિબળોને ધ્યાનમાં લેતાં રોકાણકારો હાલ પ્રોફિટ બુક કરી રહ્યા છે. અને નવી ખરીદી ટાળી રહ્યા છે. જેના લીધે શેરબજારમાં સાર્વત્રિક વેચવાલીનું જોર વધ્યું છે.