Mumbai, તા.4
મુંબઇ શેરબજારમાં આજે તેજીએ તોફાન સર્જયું હતું. ટ્રેડવોરનું જોખમ હળવું થતાં અને ભારતને ખાસ વાંધો નહીં આવવાના આશાવાદ હેઠળ સેન્સેક્સમાં 1400 પોઇન્ટથી અધિકનો ઉછાળો હતો. ઇન્વેસ્ટરોની સંપત્તિમાં પાંચ લાખ કરોડનો વધારો થયો હતો.
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને બાદ કરતા મેક્સીકો અને કેનેડા ઉપર લાદેલી ડ્યુટીનો અમલ એક મહિનો મુલત્વી રાખતા ટ્રેડવોરનું જોખમ હળવું થવાના આશાવાદથી સારી અસર થઇ હતી.
ચીન પર વધારાની ડયુટી યથાવત રાખી હતી. ચીને પણ વળતો ડ્યુટી વધારો ઝીંકતા દેશો વચ્ચે ટ્રેડવોર જામી શકે છે. પરંતુ ભારત તેમાંથી છટકી જશે તેવો આશાવાદ વ્યકત થતો હતો. આ સિવાય રીઝર્વ બેન્ક વ્યાજદરમાં ઘટાડો કરશે તેવા આશાવાદથી માનસ સારુ થયું હતું. લોકલ ફંડોની લેવાલીનો પણ પડઘો હતો.
જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે નવું આવકવેરા બીલ પ્રોત્સાહક રહેવાનો તથા વ્યાજદરમાં ઘટાડાનો આશાવાદ છે. છેલ્લા દિવસોમાં માર્કેટ ઘણું ઘટી ગયું હતું એટલે રિકવરી પણ અપેક્ષિત હતુંં. આ કારણોસર ઉછાળો ઝડપી અને તોફાની બન્યો હતો.
શેરબજારમાં આજે મોટાભાગના શેરોમાં ઉછાળો હતો. એશિયન પેઇન્ટસ, એક્સીસ બેંક, બજાજ ફાઇનાન્સ, ભારતી એરટેલ, એચડીએફસી બેંક, આઇસીઆઇસીઆઇ બેંક, ઇન્ડુસઇન્ડ બેંક, ઇન્ફોસીસ, કોટક બેંક, લાર્સન, મહિન્દ્ર, એનટીપીસી, પાવરગ્રીડ, રીલાયન્સ, સ્ટેટ બેંક, ટાટા મોટર્સ, ટીસીએસ, ટેક મહિન્દ્ર, ટાઇટન, અલ્ટ્રાટેક સિમેન્ટ, શ્રીરામ પાઇનાન્સ, અદાણી પોર્ટ, ભારત ઇલેકટ્રોનિક્સ વગેરે ઉંચકાયા હતા.
મુંબઇ શેરબજારનો સેન્સીટીવ ઇન્ડેક્સ 1414 પોઇન્ટ ઉંચકાયો હતો અને 78601 સાંપડ્યો હતો તે ઉંચામાં 78658 તથા નીચામાં 77402 હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફટી 388 પોઇન્ટના ઉછાળાથી 23749 હતો તે ઉંચામાં 23753 તથા નીચામાં 23423 હતો.
શેરબજારમાં સાર્વત્રિક તેજીના માહોલ વચ્ચે બીએસઆઇમાં 4059માંથી 2438 શેરોમાં ઉછાળો હતો. 1456 નરમ હતા. 65 શેરો વર્ષની ઉંચાઇએ તથા 82 વર્ષના તળીયે હતા.
239માં તેજીની તથા 235માં મંદીની સર્કિટ હતી. ઇન્વેસ્ટરોની સંપત્તિ પાંચ લાખ કરોડ વધીને 425.44 લાખ કરોડ થયું હતું.