બંધારણ મુજબ રાજ્ય તેના નાગરિકોને વધુ સારી આરોગ્ય સુવિધાઓ આપવા બંધાયેલું છે, પરંતુ વસ્તી વધારાને કારણે ખાનગી હોસ્પિટલોનો સહારો લેવો પડે છે
New Delhi, તા.૫
ખાનગી હોસ્પિટલ્સના મેડિકલ સ્ટોર્સ દ્વારા દર્દીઓની થતી લૂંટ અંગેની એક જાહેર હિતની અરજીની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે દર્દીઓ અને તેમના સંબંધીઓની થતી લૂંટના સંદર્ભમાં રાજ્ય સરકારોએ નીતિવિષયક નિર્ણય લેવા જોઇએ. કોર્ટ આ મામલે ખાનગી હોસ્પિટલોને કોઇ આદેશ જારી કરી શકે નહીં, કારણ કે તેનાથી ખાનગી હોસ્પિટલના કામકાજ સામે અવરોધ ઊભી થઈ શકે છે. જોકે રાજ્યોએ આ મુદ્દે સંવેદનશીલ બનવાની જરૂર છે. કાયદાના વિદ્યાર્થી સિદ્ધાર્થ દાલમિયા અને તેમના વકીલ પિતા વિજય પાલ દાલમિયાએ દાખલ કરેલી પીઆઈએલમાં આરોપ મુકાયો હતો કે ખાનગી હોસ્પિટલો દર્દીઓ અને તેમના એટેન્ડન્ટને ઇન-હાઉસ ફાર્મસીઓ અથવા જેની સાથે સહયોગ હોય તેવી ફાર્મસી પાસેથી દવાઓ ખરીદવા મજબૂર કરે છે અને તેમની પાસેથી ઉંચા ભાવ વસૂલવામાં આવે છે.ન્યાયાધીશ સૂર્યકાંત અને એન કોટીશ્વર સિંહની બેન્ચે જાહેર હિતની આ અરજીનો નિકાલ કરતાં જણાવ્યું હતું કે અમે તમામ રાજ્ય સરકારોને આ મુદ્દા પર વિચારણા કરવા અને યોગ્ય નીતિગત નિર્ણયો લેવાના આદેશ આપીને આ અરજીનો નિકાલ કરીએ છીએ. આરોગ્ય રાજ્યનો વિષય છે. રાજ્ય સરકારો તેમની સ્થાનિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને સંબંધિત નિયમનકારી પગલાં લઈ શકે છે. સુપ્રીમે જણાવ્યું હતું કે આ મુદ્દે નીતિ ઘડનારાઓએ દર્દીઓ અને તેમના એટેન્ડન્ટ્સનું શોષણ ન થાય તેવી યોગ્ય માર્ગદર્શિકા તૈયાર કરી જોઇએ. આની સાથે-સાથે ખાનગી સંસ્થાઓ માટે આરોગ્ય ક્ષેત્રમાં પ્રવેશવા માટે કોઈ નિરાશા અને ગેરવાજબી નિયંત્રણો ન ઊભા થાય તેની પણ ખાતરી કરવી જોઇએ. સુપ્રીમે જણાવ્યું હતું કે ખાનગી હોસ્પિટલો દ્વારા દર્દીના કથિત શોષણની સમસ્યા અંગે રાજ્ય સરકારને સંવેદનશીલ બનાવવાની જરૂર છે. બંધારણ મુજબ રાજ્ય તેના નાગરિકોને વધુ સારી આરોગ્ય સુવિધાઓ આપવા બંધાયેલું છે, પરંતુ વસ્તી વધારાને કારણે ખાનગી હોસ્પિટલોનો સહારો લેવો પડે છે.